તબલીધી સંમેલનનું મીડિયા રિપોર્ટિંગ કેન્દ્રના સોગંદનામાંથી સુપ્રીમ કોર્ટ અસંતુષ્ટ

નવી દિલ્હી, તા. 17 : કોરોનાના પ્રારંભ સમયે દિલ્હીમાં યોજાયેલા તબલીધી જમાતાના મરકાઝ વિશેના મીડિયા રિપોર્ટિંગને લગતા કેસમાં કેન્દ્ર સરકારે નોંધાયેલા એફિડેવિડથી સુપ્રીમ કોર્ટને સંતોષ થયો નથી. આવી બાબતો ટીવી પર બતાવવા માટે એક નિયામક સંસ્થા રચવાની જરૂર છે, એમ અદાલતે કહ્યું છે. કેન્દ્ર સરકારે કેબલ ટૅલિવિઝન નેટવર્ક એક્ટ હેઠળ લીધેલાં પગલાંની વિગતો પણ અદાલતે તેની પાસેથી મગાવી છે. 
`પહેલાં તમે યોગ્ય એફિડેવિટ નોંધાવ્યું નહીં અને જ્યારે નોંધાવ્યું ત્યારે તેમાં આ બે મહત્ત્વના મુદ્દાનો ઉલ્લેખ ન હતો. આમ ન ચાલે, મિ. મહેતા,' એમ મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે સૉલિસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું. 
`િમ. મહેતા, અમને તમારા જવાબથી સંતોષ થયો નથી. કેબલ ટીવી નેટવર્ક એક્ટ હેઠળ તમે કયા પગલાં લીધાં તે અમારે તમારી પાસેથી જાણવું હતું.' એમ ન્યા. એ એસ. બોપન્ના અને ન્યા. વી. રામસુબ્રમણિયને કહ્યું હતું.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કેન્દ્ર સરકારે તેના એફિડેવિટમાં આ કેસના કાનૂની પાસાંની અને કેબલ ટૅલિવિઝન નેટવર્ક એક્ટ અહીં લાગુ પડે છે કે નહીં તેની ચર્ચા કરી નથી. `અમે એ જાણવા માગીએ છીએ કે ટેલિવિઝન પર રજૂ થતી આવી સામગ્રીના નિયમન તમારી પાસે કઈ યંત્રણા છે. જો આવી કોઈ નિયામક સંસ્થા ન હોય તો તમે તેની રચના કરો. નિયમનને એનબીએસએ જેવી સંસ્થાઓને ભરોસે છોડી શકાય નહીં.' એમ બેન્ચે કહ્યંy હતું.
તબલીધી જમાતના સંમેલનને લઈને કેટલીક ચેનલો કોની ધિક્કાર ફેલાવી રહી હોવાનો આક્ષેપ કરતી જમિયત ઉલેમાએ -હિન્દની અરજીની સુનવણી કરી રહેલી બેન્ચે કેન્દ્ર સરકારને નવું એફિડેવિટ રજૂ કરવાનો અને તેમાં સીટીએનએ હેઠળ ટૅલિવિઝન પરની સામગ્રીના નિયમન સંબંધી યંત્રણાની વિગતો આપવાનો આદેશ આપ્યો હતો.
સૉલિસીટર જનરલે બેન્ચને કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પ્રસ્તુત કાયદા હેઠળ અનેક પગલાં લીધા છે. `અગાઉના કોઈ કિસ્સામાં તમે કેબલ ટીવી એક્ટ હેઠળ કયા પગલાં લીધાં છે તે અમને જણાવો.' એમ કહીને બેન્ચે મહેતાને પૂછયું હતું કે, કેન્દ્ર સરકારે હજી સુધી આ બાબતના નિયમન માટે કોઈ સંસ્થાની રચના કેમ નથી કરી?
અદાલતે કેસની વધુ સુનાવણી ત્રણ અઠવાડિયા પછી હાથ ધરવાનો આદેશ આપ્યો છે.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer