ટ્રમ્પ સત્તાંતરમાં સહકાર નહીં આપે તો વધુ અમેરિકનો કોરોનાથી મરી જશે : બાયડન

વૉશિંગ્ટન, તા. 17 : અમેરિકાના નવ-નિર્વાચિત પ્રમુખ જૉ બાયડને ચેતવણી આપી છે કે જો હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાંતરની પ્રક્રિયામાં સહકાર નહીં આપે તો મહામારીને કાબૂમાં લેવાના સરકારના પ્રયાસોને અસર થશે અને ઘણા વધુ અમેરિકનો કોરોનાથી મૃત્યુ પામશે.
પ્રસાર માધ્યમોના અહેવાલો અનુસાર ડેમોક્રેટિક પક્ષના જૉ બાયડન પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. બાયડનને ઇલેક્ટોરલ કૉલેજમાં 306 મત મળ્યા છે, જે બહુમતી સાબિત કરવા માટે જરૂરી 270 કરતાં ઘણા વધુ છે.
પરંતુ રિપબ્લિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ઘાલમેલ થયાનો આક્ષેપ કરીને હાર સ્વીકારવાની ના પાડી છે. તેમના ટેકેદારોએ કેટલાંક ચાવીરૂપ રાજ્યોમાં ચૂંટણીને અદાલતમાં પડકારી પણ છે.
`જો આપણે હળીમળીને કામ નહીં કરીએ તો વધુ લોકો મરી જશે,' એમ બાયડને તેમના વતનના રાજ્ય ડેલાવેરમાં કહ્યું હતું.
અમેરિકામાં સત્તાંતરની પ્રક્રિયા હાથ ધરવા માટેની સત્તાવાર સંસ્થા જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશને (જીએસએ) હજી સુધી જૉ બાયડન અને તેમનાં સાથી કમલા હેરિસને વિજેતા તરીકે સ્વીકાર્યા નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે નીમેલા અધિકારીની આગેવાની નીચેના જીએસએએ સત્તાંતરની પ્રક્રિયા શરૂ કરવાનો ઇનકાર કર્યો છે. આ પ્રક્રિયામાં બાયડનની ટીમને અમુક રકમનું બજેટ ફાળવવાનો, ગુપ્તચર સંસ્થાઓની બાતમીથી તેમને વાકેફ કરવાનો અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી માહિતી મેળવવાનો સમાવેશ થાય છે.
`રસી મહત્ત્વની છે. પરંતુ તમને રસી ન મૂકાય ત્યાં સુધી તેનો કશો ઉપયોગ નથી. સવાલ એ છે કે રસી મેળવવી કઈ રીતે? કઈ રીતે 30 કરોડ અમેરિકનોને રસી મૂકવી? આ એક ભગીરથ કામ છે. જેમને રસીની સૌથી વધુ જરૂર હોય તેમને અગ્રીમતા આપો અને આ મહામારી સાથે કામ પાડવામાં વિશ્વ આરોગ્ય સંસ્થા અને અન્ય દેશોને સહકાર આપો,' એમ બાયડને કહ્યું હતું.
`ટ્રમ્પ તંત્ર કહે છે કે એની પાસે છે કે  તેની પાસે રસી કઈ રીતે મેળવવી અને કઈ રીતે તેની વહેંચણી કરવી તેને માટેની યોજના છે' એમ બાયડને જણાવ્યું હતું.
અમેરિકામાં કોવિડના દર્દીઓની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં નવી ઊંચાઈએ પહોંચી છે. તાજેતરમાં એક દિવસમાં 1.6 લાખ નવા કેસ નોંધાયા હતા. આજ સુધીમાં 2.47 લાખ લોકો કોરોનામાં માર્યા ગયા છે. અમેરિકાના ચેપી રોગોના વરિષ્ઠ નિષ્ણાત ડૉ. એન્થની ફોસીએ ચેતવણી આપી છે કે શિયાળો આવતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને પડકારભરી બનશે.
કોરોનાની રસીની દેશવ્યાપી વહેંચણીના કાર્યને ખૂબ મોટું ગણાવતા બાયડને કહ્યું કે જો તેમની ટીમને 20 જાન્યુઆરી સુધી- તેમના સોગંદવિધિ સુધી રાહ જોવી પડશે તો ત્યાં સુધીમાં ખૂબ મોડું કદાચ એકથી દોઢ મહિના જેટલું મોટું- થઈ ગયું હશે.
બાયડને કહ્યું કે સંકલન સાધવું બહુ મહત્ત્વનું છે અને જો પ્રમુખ આ કાર્યમાં સામેલ થાય તો કામ ઘણું સરળ બનશે. 20 જાન્યુઆરી આવે તે પહેલાં પ્રમુખ થોડા જાગૃત બનશે એવી મને આશા છે. પ્રમુખ હજી ગોલ્ફ રમ્યા કરે છે અને કંઈ કરતા નથી એ વિચાર જ મારા મગજમાં ઉતરતો નથી,` એમ બાયડને કહ્યું હતું.
કોરોના શિયાળામાં પણ ચાલુ રહેવાની શક્યતા છે ત્યારે કૉંગ્રેસ સાથે મળીને અમેરિકાના ધંધાર્થીઓ અને બેકારોને રાહત આપવાના પગલાં માટે કૉંગ્રેસ સાથે કામ ન કરવા બદલ બાયડને ટ્રમ્પની ટીકા કરી હતી.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer