ગુજરાતમાં લોકડાઉનનો મેસેજ ખોટો

આરોગ્ય રાજ્યપ્રધાન કિશોર કાનાણીએ કરી સ્પષ્ટતા
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.17 : ગુજરાતમાં આરોગ્ય રાજ્યપ્રધાનના નામે કોરોના સામે સાવચેતી રાખવાનો ફરી રહેલો લોકડાઉનનો મેસેજ  ખોટો હોવાનું ખુદ આરોગ્ય રાજ્યપ્રધાન કિશોર કાનાણીએ જણાવ્યું છે. સોશિયલ મીડિયા બે દિવસથી આ મેસેજ ફરી રહ્યો છે. જેને ખોટો ગણાવી કિશોર કાનાણીએ લોકો ચિંતા ન કરે તે માટે ષ્ટતા કરી છે. તેમણે એક વીડિયો જારી કરી જણાવ્યું કે, `દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન થાય' તેવા જે મેસેજ વાયરલ કરવામાં આવ્યાં છે, તે તદન ખોટા, વાહિયાત અને બોગસ છે. કોઇ વિધ્નસંતોષી દ્વારા વાતાવરણમાં ભય પેદા કરવાનો પ્રયાસ થયો છે. તેમણે સોસાયટીઓમાં ફરી લોકડાઉન લાદવાની વાત કરી જ નથી.' 
દિવાળીના તહેવારોમાં અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં કોરોનાના કેસોની સંખ્યામાં ચોંકાવનારો વધારો નોંધાયો છે. તેને પગલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સિવિલ હૉસ્પિટલની મુલાકાત લઈ સમીક્ષા પણ કરી હતી. જોકે, લોકોમાં ચિંતાની સાથે અટકળો થવા માંડી હતી કે શું ખરેખર રાજ્યમાં કોરોનાનો ફરી વિસ્ફોટ થઈ રહ્યો છે અને ફરી લોકડાઉન આવી રહ્યો છે. આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર સોસાયટીના ચૅરમૅન, સેક્રેટરી, આગેવાનોને સંબોધીને એક મેસેજ ફરતો થયો હતો. આરોગ્યપ્રધાન કિશોર કાનાણી (કુમાર)ના નામે ફરી રહેલા આ મેસેજમાં સોસાયટીના જવાબદારોને સ્વૈચ્છિક લોકડાઉન કરવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો નિયમોનું પાલન નહીં કરીએ તો પરિસ્થિતિ બગડી શકે છે. જોકે, તપાસ કરતા જણાયું કે આ મેસેજ લોકડાઉનના સમયમાં ફરતો થયો હતો. તેને મોબાઇલ યુઝર્સ ફરી ફોરવર્ડ કરી રહ્યા હોવાનું જણાયું હતું. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાને પણ ગુજરાતમાં લોકડાઉનની વાતનો છેદ ઉડાડતા કહ્યું કે, રાજ્યમાં લોકડાઉની કોઇ વાત નથી અને જ્યાં પણ જરૂર જણાશે ત્યાં વ્યવસ્થા વધારીશું.  
નોંધનીય છે કે કોરોના કાળમાં મોટાભાગના લોકો બહાર ફરવા જવાનું ટાળતા હોવા છતાં દિવાળીના તહેવારોના ત્રણ દિવસમાં રાજ્યમાં 11 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીથી ભાઈબીજ સુધીના ત્રણ દિવસના સમયગાળામાં ઇમરજન્સી કેસની સંખ્યામાં 30.49 ટકાનો વધારો નોંધાયો છે. દિવાળીના ત્રણ દિવસના તહેવારમાં રાજ્યમાં કુલ 11,079 ઇમરજન્સી કેસ નોંધાયા હતા.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer