લોકો અપવિત્ર ગઠબંધનને સહન નહીં કરે

ગુપકાર ગૅંગ ઉપર અમિત શાહના આંકરા પ્રહારો
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 17 : બંધારણની કલમ 370મી રદ કરવાના મુદ્દે `િવદેશી પરિબળોનો હસ્તક્ષેપ' કરવા બદલ ગૃહપ્રધાન અમિત શાહે આજે જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોની આકરી ટીકા કરી હતી અને ગુપકાર ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કરનાર કૉંગ્રેસને આ મુદ્દા ઉપર તેમનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.
કૉંગ્રેસ અને ગુપકાર ગૅંગ જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંક અને અંધાધૂંધીના યુગમાં લઈ જવા માગે છે, તેઓ દલિતો, મહિલાઓ અને આદિવાસીઓના અધિકારો છીનવી લેવા માગે છે. આ અધિકારો અમે તેમને 370મી કલમ રદ કરીને અપાવ્યા છે, તેથી જ તેઓને દેશમાં સર્વત્ર જાકારો મળી રહ્યો છે, એમ અમિત શાહે તેમના ટ્વીટમાં જણાવ્યું હતું.
`જમ્મુ અને કાશ્મીર ભારતનો અંતર્ગત હિસ્સો હતો, છે અને રહેશે. ભારતીય નાગરિકો આપણા દેશના હિતો વિરુદ્ધ હવે પછી કોઈ અપવિત્ર વૈશ્વિક ગઠબંધનને સહન નહીં કરે.
ગુપકાર ગૅંગ રાષ્ટ્રના જુસ્સા સાથે આગળ વધે અથવા નાગરિકો તેને ડૂબાવી દેશે', એમ શાહે તેમના બીજા ટ્વીટમાં જણાવ્યું હતું.
જોકે, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ તાત્કાલિક ટ્વીટ કરી શાહને જવાબ આપ્યો હતો અને ભાજપને કડવી બાબતને મીઠી ભાષામાં રજૂ કરનાર અને પ્રગતિને રોકનાર પક્ષ ગણાવ્યો હતો. નેશનલ કૉન્ફરન્સના વડા ઉમર અબદુલ્લાહે ચૂંટણી લડવા માટે રચાયેલા જમ્મુ-કાશ્મીરના ગઠબંધનથી ગૃહપ્રધાન `નાસીપાસ' થયા હોવાની પ્રતિક્રિયા આપી હતી.
જમ્મુ-કાશ્મીરમાં ફારૂખ અબદુલ્લાહ, તેમના કટ્ટર હરીફ મેહબૂબા મુફ્તી અને સજ્જાદ લોન સહિત મુખ્ય રાજકીય પક્ષોનું એક જૂથ એકત્ર આવ્યું છે જે `પીપલ્સ અલાયન્સ ફૉર ગુપકાર ડિકલેરેશન' તરીકે ઓળખાય છે અને તેને માર્મિકરીતે `ગુપકાર ગૅંગ' તરીકે ઓળખ અપાઈ છે.
ભાજપના નેતાઓએ આ ગઠબંધનને રાષ્ટ્રવિરોધી ગણાવ્યું છે. ફારૂખ અબદુલ્લાહે સપ્ટેમ્બરમાં સંસદમાં આપેલા ભાષણમાં પાકિસ્તાન સાથે મંત્રણા કરવાની હિમાયત કરી હતી. તેથી ભાજપએ તેમને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા હતા. ફારૂખ અબદુલ્લાહે દલીલ કરી હતી કે જો ભારત ચીન સાથે સીમા વિવાદ ઉકેલવા મંત્રણા કરી શકે તો પાકિસ્તાન સાથે જમ્મુ-કાશ્મીર પ્રશ્ને કેમ નહીં?
ભાજપએ મહેબૂબા મુફતી ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવાની માગણી કરી છે. કલમ 370 રદ થયા બાદ જમ્મુ-કાશ્મીરનો ધ્વજ પણ રદ થયો હતો. 
આ ધ્વજને ફરી માન્યતા મળે નહીં ત્યાં સુધી રાષ્ટ્ર ધ્વજ નહીં લહેરાવવાના મુફતીના કથન બાદ તેમની ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવાની માગણી ભાજપએ કરી છે.
મુફતીએ તેમના ટ્વીટમાં જણાવ્યું છે કે ભાજપ ચૂંટણી આવે ત્યારે બેવડાં ધોરણો અપનાવે છે. હવે યુતી કરવી એ પણ રાષ્ટ્રવિરોધી ગણે છે ભાજપ. જ્યારે ભાજપ સત્તાની ભૂખ માટે સંખ્યાબંધ રાજકીય પક્ષો સાથે યુતી કરે છે.
ગુપકાર ઘોષણા 4 અૉગસ્ટ 2019માં જાહેર થઈ હતી. 
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer