દિવાળી જતાં જ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ : નાયબ

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 17 :  દિવાળીના તહેવારો શરૂ થતાં જ અમદાવાદ શહેરની બજારોમાં કીડીયારું ઊભરાયું હોય એ રીતે લોકો ફરતા જોવા મળતા હતા તેમ જ સોશિયલ ડિસ્ટન્સથી લઈ માસ્કનું પણ પાલન કરતા નહોતા. બેખોફ બનીને ફરનારી આ ભીડને લાગતું હતું કે કોરોના હવે ગયો. વાસ્તવમાં એ ગયો નથી, પણ વધુ ગંભીર બનીને ત્રાટકી રહ્યો છે. આ સ્ફોટક સ્થિતિને પગલે  નૂતન વર્ષના દિવસે જ 16 નવેમ્બરે નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
એક સમયે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા હતા, પણ દિવાળીના તહેવારો બાદ હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ 50 ટકાથી વધી ગયા છે, તેમાં પણ હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાલી નવા વર્ષના દિવસે જ 140 નવા કોરોનાના દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ સિવિલમાં સારવાર લઈ રહેલા 625 દર્દીમાંથી 475 ઓક્સિજન પર છે. હજી પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને અન્ય હોસ્પિટલમાં પણ શિફટ કરવા પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.       

Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer