વીજળીના બેફામ બિલમાં સરકાર તરફથી કોઈ રાહત નહીં

વીજળીના બેફામ બિલમાં સરકાર તરફથી કોઈ રાહત નહીં
સામાન્ય માનવીને ઈલેક્ટ્રિક શૉક
મુંબઈ, તા. 17 : મહાવિતરણ દ્વારા લોકડાઉન દરમિયાન લોકોને તોતિંગ રકમનાં વીજબિલ મોકલવામાં આવ્યાં હતાં ત્યારે વિરોધીઓએ વીજબિલમાં માફી અથવા રાહતની માગણી કરી હતી. પરંતુ વીજળી વાપરી હોય તો બિલ ભરવું પડશે, કોઈપણ પ્રકારની રાહત મળશે નહીં એવું કહી ઠાકરે સરકારે સામાન્યજનને આઘાત આપ્યો છે. આથી વીજબિલ ઓછું થશે એવી અપેક્ષા રાખનારા લોકોને નિરાશ થવાનો વારો આવ્યો છે.
મહારાષ્ટ્રના ઊર્જાપ્રધાન નીતિન રાઉતે આ બાબતે જણાવ્યું હતું કે વીજબિલમાં રાહત આપવાનું અશક્ય છે, વીજળી વાપરી હશે તો બિલ ભરવું પડશે. લોકડાઉન દરમિયાન આવેલા બિલ ભરવાં જોઈએ. અમે પણ ગ્રાહક છીએ. લોન લઈને મદદ કરીએ છીએ. કારભાર ચલાવવાની મર્યાદા અમને પણ છે. વીજળીનું બિલ રાહતનો વિષય નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેવી રીતે તમે ગ્રાહકો છો એવી રીતે અમે પણ ગ્રાહક છીએ, અમે પણ વીજ બિલ ચૂકવીએ છીએ. વાપર્યા કરતાં વધુ બિલ આવ્યું હોય તો તેની તપાસ ચાલી રહી છે. પણ જેમણે વીજળી વાપરી છે તેમણે બિલ ભરવું પડશે. વીજળી વાપરી હોય એટલું જ બિલ આવવું જોઈએ. કોઈનો પણ વીજપુરવઠો ખંડિત થશે નહીં. રાજ્યમાં વીજ બિલમાં રાહત આપવા માટે કેન્દ્ર સરકારને મદદ માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો પરંતુ કેન્દ્ર સરકારે મદદ કરી નથી. આથી વીજ બિલમાં રાહત મળશે નહીં.
લોકડાઉન દરમિયાન મહાવિતરણે 24 કલાક વીજળી ઉપલબ્ધ કરી હતી. વીજ કંપનીએ લોકડાઉનમાં વીજ પુરવઠો કર્યો હતો. મહાવિતરણ પર 69,000 કરોડ રૂપિયાનું દેવું છે. અમે લોન લઈને કામ કરી રહ્યા છીએ, હજી કેટલું કરીએ? વીજ બિલ ભરવા બાબતે મહાવિતરણે સર્ક્યુલર બહાર પાડયો છે, એમાં ડિસેમ્બર 2020 સુધીમાં બાકી રહેલાં બિલ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મોટી રકમનાં વીજ બિલ અંગે અનેક જણે ફરિયાદ કરી હતી. ત્યારબાદ આ વીજ બિલ ઓછું કરવા સંદર્ભનો ઉર્જા વિભાગનો પ્રસ્તાવ પ્રધાનમંડળની બેઠકમાં પણ ચર્ચાયો હતો. એક માહિતી મુજબ એ વખતે નાણાવિભાગે વીજ બિલ ઓછું કરવા સંદર્ભે અસમર્થતા વ્યક્ત કરી હતી. કારણ કે એનાથી રાજ્ય સરકાર પર મોટું આર્થિક ભારણ આવ્યું હોત. રાજ્યની વર્તમાન આર્થિક સ્થિતિ ધ્યાનમાં લઈને નાણાવિભાગે વીજ બિલમાં રાહત આપવાનું નકાર્યું હતું. રાજ્ય સરકારે આ વીજ બિલમાં રાહત આપવા માટે મદદની માગણી કરતે પ્રસ્તાવ પણ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો પરંતુ હજી એનો ઉત્તર મળ્યો નથી.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer