મધ્યપ્રદેશમાં લવ-જેહાદ મામલે બનશે કાયદો : પાંચ વર્ષની સજાની જોગવાઈ

મધ્યપ્રદેશમાં લવ-જેહાદ મામલે બનશે કાયદો : પાંચ વર્ષની સજાની જોગવાઈ
ભોપાલ, તા. 17 : મધ્યપ્રદેશમાં લવ-જેહાદને લઈને હવે રાજ્યના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ નિવેદન આપ્યું હતું કે મધ્ય પ્રદેશમાં સતત સામે આવી રહેલા લવ-જેહાદના મામલાઓને રોકવા માટે મધ્યપ્રદેશ સરકાર કાયદો લાવશે. સરકાર તેને લઈને ધર્મ સ્વતંત્ર કાયદો બનાવવા જઈ રહી છે. આ માટે આગામી વિધાનસભા સત્રમાં કાયદો લાવવામાં આવશે. કાયદો લાવ્યા બાદ બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે અને 5ાંચ વર્ષની કડક સજા આપવામાં આવશે. આ કાયદા હેઠળ લાલચ, ડરાવવા- ધમકી આપવી જેવા મામલાને પણ ગુનો નોંધવામાં આવશે.
સાથ આપનારી વ્યક્તિ પણ હશે મુખ્ય આરોપી 
નરોત્તમે લવ-જેહાદ કાયદાને લઈને કહ્યું હતું કે આ કાયદા હેઠળ બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ કરી શકાશે અને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે લવ-જેહાદ જેવા મામલે સાથ આપનારી વ્યક્તિને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેને ગુનેગાર ગણાવતા મુખ્ય આરોપીની જેમ જ સજા આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવનારને સજા આપવાની જોગવાઈ આ કાયદામાં રહેશે.
એક મહિના પહેલાં કલેકટરને અરજી કરવી જરૂરી 
સ્વેચ્છાથી ધર્મપરિવર્તન માટે એક મહિના પહેલાં અરજી કરવી પડશે. ઘણા કિસ્સાઓમાં એ જોવા મળ્યું છે કે યુવતીઓ સ્વેચ્છાથી ધર્મપરિવર્તન કરીને લગ્ન કરવા ઈચ્છે છે. આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખતાં એવા કાયદાની જોગવાઈ કરવામાં આવશે કે કોઈ લગ્ન માટે સ્વેચ્છાથી ધર્મપરિવર્તન કરાવવા ઇચ્છશે તો તેને એક મહિના પહેલાં કલેકટર સમક્ષ અરજી કરવી પડશે. અહીં ધર્મપરિવર્તન કરવા માટે કલેક્ટરને અરજી કરવી ફરજિયાત રહેશે અને અરજી કર્યા સિવાય કોઈ ધર્મપરિવર્તન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer