યુએસની કંપની મોડર્નાનો દાવો અમારી વેક્સિન 95 ટકા અસરકારક, આઠ ડિગ્રીમાં 30 દિવસ સુધી સલામત

યુએસની કંપની મોડર્નાનો દાવો અમારી વેક્સિન 95 ટકા અસરકારક, આઠ ડિગ્રીમાં 30 દિવસ સુધી સલામત
રાજેન્દ્ર વોરા તરફથી 
મેસાચ્યુસેટ્સ, તા. 17 : અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાએ સોમવારે કોરોનાની વેક્સિનની જાહેરાત કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ વેક્સિન કોરોનાના દર્દીઓને બચાવવામાં 95 ટકા સુધી અસરકારક છે. કંપનીએ આ દાવો અંતિમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના આધારે કર્યો છે. આ રસીની ખાસ વાત એ છે કે તે બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ 30 દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે ફેઝ-3ના ટ્રાયલમાં અમેરિકામાં 30,000થી વધુ લોકોનું પરીક્ષણ કરાયું હતું. 65થી વધુ હાઈ રિસ્ક સ્થિતિ ધરાવતા અલગ-અલગ જૂથના લોકોનો પણ સમાવેશ થતો હતો. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન બૈંસેલે આ સફળતાને વેક્સિન વિકસાવવામાં એક મહત્ત્વની પળ ગણાવી હતી. કંપની જાન્યુઆરીના પ્રારંભથી આ વેક્સિન પર કામ કરતી હતી. 
 કંપની વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી માગશે. મોડર્નાની ઈમર્જન્સી કેસમાં વેક્સિનના ઉપયોગની મંજૂરી માટે આગામી સમયમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે એપ્લિકેશન આપવાની યોજના છે. આશા છે કે આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં કંપનીના બે કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ થશે. આગામી એક વર્ષમાં વિશ્વમાં કંપનીની વેક્સિનના 50 કરોડથી 1 અબજ ડોઝના ઉત્પાદનની યોજના છે. અગાઉ યુએસની કંપની ફાઈઝર અને તેની સહયોગી જર્મન કંપની બાયોએનટેકે 90 ટકાથી વધુ અસરકારક રસી તૈયાર કરી હતી. જ્યારે રશિયાના રિસર્ચ સેન્ટરની સ્પુતનિક વેક્સિન 92 ટકા અસરકારક છે. મોડર્નાએ દાવો કર્યો હતો કે તેમની રસી 95 ટકા અસરકારક છે. દરમિયાન અમેરિકાની વધુ એક કંપની જ્હોનસન એન્ડ જ્હોનસને કોવિડ 19ની રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કર્યું છે.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer