સિદ્ધિવિનાયક, બાબુલનાથ, મહાલક્ષ્મી અને મુંબાદેવી જેવાં મોટા મંદિરો ખુલ્યા

સિદ્ધિવિનાયક, બાબુલનાથ, મહાલક્ષ્મી અને મુંબાદેવી જેવાં મોટા મંદિરો ખુલ્યા
હજી કેટલાક નાના મંદિરો ખુલ્યા નથી
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્ર સરકારે મંદિરો સહિત બધા ધર્મસ્થાનો ખોલવાની પરવાનગી આપી પછી મોટા મંદિરો ખુલ્યા છે. જોકે, કેટલાંક વિસ્તારોમાં નાના મંદિરો હજી ભક્તો માટે ખુલ્યા નથી.
પ્રભાદેવીસ્થિત સિદ્ધિવિનાયક મંદિર ખુલ્યુ છે. તેમાં દરરોજ 1000 ભક્તોને પ્રવેશ આપવામાં આવે છે. અૉનલાઇન બુકિંગ કરીને પ્રવેશ આપવાની પદ્ધતિ પણ ચાલુ છે. પ્રવેશ વેળાએ શરીરનું ઉષ્ણતામાન તપાસવામાં આવે છે અને હાથને સેનિટાઇઝ કરવામાં આવે છે.
સુપ્રસિદ્ધ બાબુલનાથ મંદિર પણ ગઈકાલથી ખુલી ગયું છે. તે સવારે રાતથી રાત્રે 7.30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, એમ મંદિરનો વહીવટ સંભાળતા ટ્રસ્ટના અધિકારી મુકેશભાઈએ જણાવ્યું હતું. મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશવાની છૂટ છે પણ ભગવાનની મૂર્તિને સ્પર્શવાની અથવા જળ-દૂધનો અભિષેક કરવાની છૂટ નથી. પ્રસાદ અર્પણ કરવાની પણ મનાઈ છે. દર્શન કરવા જવા માટે પગથિયાં ચઢવાનો રસ્તો બંધ છે અને ફક્ત લિફ્ટ મારફતે જ ત્યાં પહોંચી શકાય છે.
દક્ષિણ મુંબઈમાં આવેલા સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરને પણ ગઈકાલથી ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. તેમાં ગઈકાલે ભક્તોને મર્યાદિત અવરજવર જોવા મળી હતી. સામાન્યપણે દિવાળી-વિક્રમનું નવું વર્ષ, દિવાળી કે રવિવારમાં ત્યાં ખૂબ જ ભીડ જોવા મળે છે. ગઈકાલે નવું વર્ષ હોવા છતાં મર્યાદિત ભક્તો દર્શન માટે પહોંચ્યા. તેના માટે લોકલ ટ્રેનો બધા માટે ખોલવામાં આવી નથી તે કારણ મહત્ત્વનું હોવાનું મનાય છે. આજે પણ મંદિરમાં પાંખી સંખ્યામાં ભાવિકો જોવા મળ્યા હતા. ત્યાં ભાવિકોને ગર્ભગૃહમાં પ્રવેશની છૂટ અપાઈ નથી. મંદિરના મહાવ્યવસ્થાપક શરદચંદ્ર પાધ્યેએ જણાવ્યું હતું કે મંદિરના ગર્ભગૃહનો દરવાજો 14 ફૂટ પહોળો છે. તેથી ભક્તો દસ ફૂટના અંતરથી ખૂબ જ સારી રીતે દર્શન કરી શકે છે. અમે કોરોનાના સંક્રમણને રોકવાના ઉપાયરૂપે થર્મલ ચેકિંગ કરીએ છીએ અને ભક્તોની સંખ્યા ઓછી હોય તો અૉક્સિમીટરનો ઉપયોગ કરીને છીએ. ભક્તોને સેનિટાઇઝ કરવા માટે સ્પ્રીંકલ સિસ્ટમ બેસાડવામાં આવી છે. માસ્ક પણ ફરજિયાત છે. 65 વર્ષ કરતાં વધુ ઉંમરના અને દસ વર્ષ કરતાં ઓછી વયના બાળકોને પ્રવેશની મનાઈ છે, એમ પાધ્યેએ ઉમેર્યું હતું. મંદિરના શ્રીફળ, પ્રસાદ કે ફૂલો અર્પણ કરવાની મનાઈ હોવાથી તેની દુકાનો પણ ખુલી નથી.
ઘાટકોપર (પૂર્વ)માં આવેલું ગણેશજીનું મંદિર, રોકડિયા હનુમાન અને નવનીત પ્રભુની હવેલી જેવા જાણીતા મંદિરો ખુલ્યા છે. જોકે, કેટલાંક નાના મંદિરો હજી ખુલ્યા નથી. ત્યાં ભક્તોને કોરોનાના સંક્રમણને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જેવાં પગલાંના અમલ કરાવી શકાય એવી વ્યવસ્થાનો અભાવ છે.
મુંબઈમાંના સહુથી જાણીતા ધર્મસ્થળ વાલકેશ્વરમાં બાણગંગા તળાવના પરિસરમાં આવેલા બધા મંદિરો ખુલી ગયા છે. બાણગંગામાં રામેશ્વર મંદિરના પૂજાની અભિષેક જાનીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારએ આપેલી છૂટ પછી મંદિર બધા ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. બાણગંગાસ્થિત જાગનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી શરદ જાનીએ જણાવ્યું હતું કે ભક્તો માટે મંદિર ખોલવામાં આવ્યું છે. બાણગંગામાં મોટા તહેવારો સિવાયના દિવસોમાં ખૂબ જ મર્યાદિત ભક્તો દર્શન કે પૂજા માટે આવે છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ આપોઆપ જ જળવાય છે.
જેમના નામ પરથી મુંબઈ નામ પડયું છે તે મુંબાદેવીનું મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયું છે. તેમાં કોરોનાના સંક્રમણને રોકવાના ઉપાયના ભાગરૂપે ભક્તોના આખા શરીરને સેનિટાઇઝ કરી શકાય એ સ્પ્રીંકલ સિસ્ટમ ગોઠવવામાં આવી છે.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer