કૉંગ્રેસનો આંતરકલહ ફરી સપાટી પર

કૉંગ્રેસનો આંતરકલહ ફરી સપાટી પર
કૉંગ્રેસ આત્મનિરીક્ષણ કરે : કપિલ સિબ્બલ
સત્તા માટે શોર્ટકટ ન હોય : સલમાન ખુરશીદ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 17 : બિહારની ચૂંટણી અને કેટલાક રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીના ખરાબ પરિણામ બાદ કૉંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે અને આ વિખવાદની વચ્ચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે મંગળવારે કહ્યું છે કે સત્તા માટે કોઈ શૉર્ટ કટ નથી. 
ફેસબુક પર મૂકેલી લાંબી પોસ્ટમાં સલમાન ખુરશીદે પક્ષની નેતાગીરીને આત્મમંથન કરવાના આપવામાં આવેલા સૂચનનો વિરોધ કર્યો હતો. ભારતના અંતિમ મોગલ સમ્રાટ બહાદુર શાહ ઝફરની રચનાઓને ટાંકતા તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસમાંના જે ટીકાકારો છે. તેમણે ત્રુટિઓ માટે આત્મખોજ કરવાની જરૂર છે. તેમણે એવી દલીલ કરી હતી કે સત્તા ફરીથી હાંસલ કરવા માટે શોર્ટ કટ નહીં, પણ લાંબા સંઘર્ષ માટે પોતાને તૈયાર રાખવાની જરૂર છે. પોતાની સમસ્યા અને ફરિયાદની જાહેરમાં ચર્ચા કરવાની ન હોય. 
ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે સત્તામાં ન હોઈએ ત્યારે એ સ્વીકારવાનું જાહેર જીવનમાં ગમતું નથી. પણ સિદ્ધાંતના રાજકારણનું જે કોઈ પરિણામ હોય એ આપણે સન્માન સાથે સ્વીકારવું જોઈએ. આપણા સૈદ્ધાંતિક રાજકારણના વ્યૂહમાં સમયાંતરે ફેરફાર થવા જોઈએ, પણ આ ફેરફાર આપણા વિરોધીઓને ચિત કરવા માટે મીડિયામાં તો ન જ કરવા જોઈએ. 
બિહારની ચૂંટણીનાં પરિણામ બાદ પાર્ટીની બિન-અસરકારક્તા વિશે કૉંગ્રેસી નેતા કપિલ સિબ્બલે આપેલી પ્રતિક્રિયાના જવાબમાં સલમાન ખુરશીદે ફેસબુક પર આ પોસ્ટ લખી હતી. કપિલ સિબલે એક રાષ્ટ્રીય અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કૉંગ્રેસ અસરકારક વિકલ્પ હોય એવું દેશના લોકો માનતા નથી. કૉંગ્રેસે છેલ્લાં છ વર્ષમાં કોઈ આત્મમંથન કર્યું નથી અને હવે એ કરશે એવી આશા અમને ક્યાંથી હોઈ શકે? 
થોડા સમય પહેલા પક્ષમાં સુધારો લાવવા કૉંગ્રેસના જે 23 નેતાઓએ સોનિયા ગાંધીને જે પત્ર લખ્યો હતો એમાં કપિલ સિબલ પણ હતા. બિહારમાં પરાજય બાદ કપિલ સિબલે ફરી આ માગણી કરી છે. જોહેરમાં પક્ષની આંતરિક બાબતોની ચર્ચા કરવા બદલ કપિલ સિબલ પર પક્ષના નેતાઓએ તેમના પર માછલાં ધોયા છે. બિહારના પરાજય બાદ પક્ષમાં આત્મમંથનની માગણી કરનાર સિબલ પર રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતથી લઈ દિલ્હી કૉંગ્રેસના પ્રમુખ અનિલ ચૌધરી સહિત અન્ય કૉંગ્રેસી નેતાઓ તૂટી પડ્યા છે.
ગેહલોતે  આ મુદ્દે ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું છે કે, કપિલ સિબ્બલ દ્વારા પાર્ટીના આંતરિક મુદ્દાનો ઉલ્લેખ મીડિયામાં કરવાની કોઈ જરૂરત નહતી. કોંગ્રેસે 1969, 1977, 1989 અને બાદમાં 1996માં પણ અનેક સંકટો જોયા છે, પરંતુ પોતાની વિચારધારા, નીતિઓ અને પાર્ટી નેતૃત્વમાં મજબૂત વિશ્વાસને લીધે આપણે દર વખતે વધારે સશક્ત બનીને બહાર આવ્યા છીએ. આપણે દરેક સંકટ બાદ વધારે મજબૂત બન્યાં છીએ અને 2004માં સોનિયા ગાંધીના નેતૃત્વમાં ઞઙઅની સરકાર પણ બની.
Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer