કામ પર પાછા ફરી સારું લાગી રહ્યું છે : રવિ શાસ્ત્રી

કામ પર પાછા ફરી સારું લાગી રહ્યું છે : રવિ શાસ્ત્રી
સિડની, તા. 18: કોરોનાના કહેર વચ્ચે ટીમ ઇન્ડિયા પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ માટે અૉસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ટીમ અત્યારે સિડનીમાં ક્વૉરેન્ટાઈનમાં છે. કોરોના વચ્ચે ક્રિકેટ શરૂ થવાથી ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી ખુશ છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, કામ પર પાછા ફરીને સારું લાગી રહ્યું છે.  જ્યારે બીજી તરફ, અૉસ્ટ્રેલિયાએ વન-ડે શ્રેણી માટે ટીમમાં કેન રિચાર્ડસનની જગ્યાએ ફાસ્ટ બોલર એન્ડ્રુ ટાઈને ટીમમાં સ્થાન આપ્યું છે. રિચાર્ડસન પોતાની પત્ની અને નવજાત સંતાન સાથે સમય પસાર કરવા આ શ્રેણી રમવાનો નથી. 
ટીમ ઇન્ડિયા અત્યારે પ્રેક્ટિસ કરી રહી છે. શાસ્ત્રીએ પ્રેક્ટિસ સેશનનાં ફોટાં ટ્વિટર પર શૅર કર્યા હતા. ફોટાંમાં શાસ્ત્રી હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને શિખર ધવન સાથે દેખાયા હતા. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે, ત્રણ ટી-20અને ચાર ટેસ્ટ મૅચની શ્રેણી રમવાની છે. 27 નવેમ્બરે વનડેથી ટૂરની શરૂઆત થશે.  ક્રિકેટ અૉસ્ટ્રેલિયાએ સત્તાવારપણે જાહેર કર્યું કે રિચાર્ડસન ભારત સામે નહીં રમે. રાષ્ટ્રીય પસંદ ટ્રેવર હોન્સે બુધવારે કહ્યું કે, કેન માટે ટીમમાંથી નામ પાછું ખેંચવાનો નિર્ણય અઘરો હતો. તેને સિલેક્ટર્સ અને આખી ટીમનો સપોર્ટ મળ્યો છે. તે પોતાના પરિવાર સાથે એડિલેડમાં રહેવા માગે છે અને અમે તેની સાથે છીએ. 
એન્ડ્રુ ટાઈ આ પહેલા ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો. તે કુલ સાત વનડે અને 26  ટી-20મેચ રમ્યો છે, જેમાં તેના નામે અનુક્રમે 12 અને 37 વિકેટ બોલે છે.Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer