જલગાંવ-ખાનદેશમાં સીએઆઈની કૉટન ટેસ્ટિંગ લેબોરેટરીનો આરંભ

જલગાંવ-ખાનદેશમાં સીએઆઈની કૉટન ટેસ્ટિંગ લેબોરેટરીનો આરંભ
રૂના પરીક્ષણમાં ક્વૉલિટી પૅરામીટરનું વધ્યું મહત્ત્વ
મુંબઈ, તા. 18 : કૉટન ઍસો. ઓફ ઈન્ડિયા (સીએઆઈ)ની જલગાંવ સ્થિત બારમી કૉટન ટેસ્ટિંગ લેબોરેટરીનું કૉટન કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ના સીએમડી પ્રદીપ અગરવાલના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. તેમાં 50 જેટલા રૂ ક્ષેત્રના અગ્રણીઓ સામેલ હતા.
દેશમાં કપાસના કુલ ઉત્પાદનમાં 90 લાખ ગાંસડીથી વધુનો ફાળો ધરાવતાં મહારાષ્ટ્રમાં, ખાનદેશ 15થી 20 લાખ ગાંસડીના ફાળા સામે મહત્વનો ભાગ ભજવે છે. પણ કપાસને લગતી ટેસ્ટિંગમાં લેબોરેટરીની અત્યાધુનિક સેવા ઉપલબ્ધ થતાં સૌને રાહત થવાની આશા છે.
આ સમારંભનું ઉદ્ઘાટન કરતાં સીસીઆઈના સીએમડી પ્રદીપ અગરવાલે જણાવ્યું હતું કે આજના ડિજિટલ વેપારયુગમાં રૂની ક્વૉલિટીનું પેરામીટર મહત્ત્વનું રહ્યું છે. ખાનદેશમાં 15 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થાય છે. સીસીઆઈ અને સીએઆઈ સમગ્ર કૉટન વેલ્યુ ચેઈનમાં એકબીજાના પૂરક અને પર્યાય રહ્યા છે. એ દૃષ્ટિએ સીએઆઈની જલગાંવ લેબોરેટરી ખાનદેશમાં સૌ કોઈ માટે લાભદાયી પુરવાર થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સીએઆઈના પ્રમુખ અતુલ ગણાત્રાએ કહ્યંy હતું કે, ખાનદેશમાં 100થી વધુ જિનિંગ ફેકટરીઓ છે. વરસે 15 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થાય છે. રૂના વેપારમાં હવે વેરાઈટીને બદલે ક્વૉલિટી (ગુણવત્તા)નું મહત્ત્વ વધી ગયું છે ત્યારે ખાનદેશમાં ઘણા લાંબા સમયથી સ્ટેટ ઓફ આર્ટ લેબોરેટરીની માગ હવે સંતોષાઈ છે. સીએઆઈ રૂ ઉગાડતાં મુખ્ય રાજ્યો પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કુલ બાર લેબોરેટરી ધરાવે છે અને ગ્રામીણ લેવલે સેવા પૂરી પાડવા પ્રયત્નશીલ છે. એ માટે સંસ્થા ન નફો ન નુકસાન ધોરણે ટેસ્ટિંગ સુવિધા પૂરી પાડી રહી છે. ખાનદેશ માટે સંસ્થાએ રૂનું ટેસ્ટિંગ ઈચ્છતા વર્ગ માટે જલગાંવ બસ સ્ટેન્ડથી સેમ્પલ કલેક્શન વિશેષ સુવિધા ઉભી કરી છે.
ખાનદેશ જિનિંગ-પ્રેસીંગ કારખાનાદાર અને ટ્રેડર્સ ડેવલપમેન્ટ ઍસોસિયેશનના પ્રમુખ પ્રદીપ જૈને અત્યાધુનિક ટેસ્ટિંગ લેબોરેટરીના લાંબા સમયની માગ સંતોષવા બદલ સીએઆઈનો આભાર માનતા એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 150 જેટલા જિનિંગ-પ્રેસીંગ કારખાનાઓ અને ખેડૂતોને ઘણો લાભ થશે. ખાનદેશમાં 20 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થાય છે.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer