મહાવિકાસ આઘાડીમાં વિવાદ? કૉગ્રેસના પ્રધાનોમાં નારાજી, આર્થિક મુદ્દાઓ અંગે તકરાર

મુંબઈ, તા 18 : મહાવિકાસ આઘાડી સરકારમાં વિવાદ સર્જાય એવી શક્યતા જણાઈ રહી છે. વારંવાર પ્રયાસો કરવા છતાં ફંડ મળતું ન હોવાથી કોંગ્રેસના પ્રધાનો નારાજ હોવાનું જણાઈ રહ્યુ છે. કૉંગ્રેસના ખાતાને ફંડ, પેકેજ મળતું ન હોવાથી એનો અપ્રત્યક્ષ ફટકો કૉંગ્રેસને પડી રહ્યો છે અને લોકોની નારાજીનો સામનો કરવો પડતો હોવાનું કૉંગ્રેસના પ્રધાનોનું કહેવું છે. કૉંગ્રેસી પ્રધાન આ અંગે સ્પષ્ટપણે નારાજી વ્યક્ત કરી રહ્યા છે. 
રાષ્ટ્રવાદી અને શિવસેનાના પ્રધાનોના ખાતાને ફંડ મળે છે, પણ કૉંગ્રેસ પાસેના ખાતાને ફંડ, પેકેજ આપવામાં આવતું નથી એવી કૉંગ્રેસી પ્રધાનોની ફરિયાદ છે.  પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે આ અંગે નારાજી વ્યક્ત કરી છે. દિવાળી પહેલાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન મંડળ માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું. એને કારણે એસટી કર્મચારીઓને રાહત મળી. એજ રીતે એમએસઇબીને પણ પેકેજ મળવું જોઇતું હતું, એમ વડેટ્ટીવારે જણાવ્યું. 
પરિવહન મંત્રાલય શિવસેના પાસે છે. આ ખાતાને દિવાળી પહેલાં એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું. એને કારણે મંત્રાલયે એસટી કર્મચારીઓનો ત્રણ મહિનાનો પગાર ચુકવ્યો. એવા જ પેકેજની જરૂર ઊર્જા મંત્રાલયની પણ છે. જોકે, એ વિભાગ પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યું હોવાની ફરિયાદ કૉંગ્રેસ દ્વારા થઈ રહી છે. ઉર્જા મંત્રાલયને પેકેજ મળે એ માટે નાણાં મંત્રાલયને આઠ વાર પ્રસ્તાવ આપવામાં આવ્યો. પરંતુ હજુ સુધી મદદ મળી નથી. રાજ્ય સરકારની તિજોરી પર કોરોનાને કારણે બોજો છે. કેન્દ્ર પાસેથી રાજ્યને કોઈ પણ પ્રકારની સહાય મળી નથી, એમ ઊર્જા પ્રધાન નીતિન રાઉતે જણાવ્યું. 
મહાવિકાસ આઘાડી સરકારે જનતાનો વિશ્વાસઘાત કર્યો છે. કેબિનેટની બેઠક બાદ પ્રધાને વીજળીના બિલમાં રાહત આપવામાં આવશે એમ જણાવી પોતાની જ પીઠ થાબડી હતી.  ત્યાર બાદ પણ લોકોને બેફામ બિલો આવ્યા. કોઈ વ્યક્તિ એના ઘરના તમામ ઉપકરણો 24 કલાક વાપરે તો પણ પાંચ વરસે જેટલું બિલ આવે એટલી રકમનું બિલ 3 મહિના માટે આવ્યું, એમ વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer