મુંબઈમાં કોરોના કાબુમાં

મુંબઈ, તા. 18 : મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવતી જાય છે. વૃદ્ધિદર ઘટીને એકથી નીચે જતો રહ્યો છે અને ડબાલિંગ રેટ 320 દિવસનો છે.  કુલ દર્દીનો આંકડો 2,71,525 થયો છે. આજે 1372 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ સાથે કુલ 2,48,711 દર્દી સાજા થયા છે.  આજે એક્ટિવ પેશન્ટ 8658 હતા. આજે મુંબઈમાં 16 જણ મૃત્યુ પામ્યા હતા. આમાંથી 12 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 13 પુરુષ અને ત્રણ મહિલા દર્દી હતા. મરણ પામનારા 11 દર્દી 60 વર્ષની ઉપરના, પાંચ મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી. મરણાંક 10,612નો થયો છે. કોરોનાના ભોગ બનેલાઓમાં મુંબઈનો રેકોર્ડ અતિશય ખરાબ છે. મુંબઈનો મૃત્યુદર 3.96 ટકા જેટલો ઊંચો છે. જોકે આજે 40થી ઓછા મરણ થયા એ સારો સંકેત છે. 
મુંબઈમાં રીકવરી રેટ 91 ટકા અને ડબાલિંગ રેટ 320 દિવસનો છે. 11 નવેમ્બરથી 17 નવેમ્બર સુધીનો એકદંર વૃદ્ધિદર 0.22 ટકાનો છે. શહેરમાં 444 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 4905 મકાનો સીલ કરાયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરતી જાય છે.  આજે 5011 નવા દર્દી મળ્યા હતા. સક્રિય દર્દીની સંખ્યા પણ ઘટી રહી છે. આજે 6608 દર્દી સાજા થયા હતા. કુલ 16,30,111 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દી  17,57,520 થઈ ગયા છે. રાજ્યમાં 80221 સક્રિય દર્દી છે. 
 રાજ્યમાં અગાઉ દરરોજ 300-400 મરણ થતા હતા, પરંતુ હવે મરણ ઓછા થાય છે. આજે ફક્ત 100 દર્દીના મૃત્યુ થયા હતા. રાજ્યમાં મૃત્યુદર 2.63 ટકાનો છે. રાજ્યમાં કુલ 46202 દર્દીના મૃત્યુ થયા છે.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer