ભાજપના નેતા રામ કદમની અટક, રાણે પોલીસ સ્ટેશને પહોંચ્યા

મુંબઈ, તા. 18 : ભારતીય જનતા પક્ષના નેતા અને વિધાનસભ્ય રામ કદમને પોલીસે અટકાયતમાં લીધા હતા. પાલઘર ગડાચિંચલે હત્યાકાંડ પ્રકરણે રામ કદમે જન-આક્રોશ યાત્રાનું આયોજન કર્યું હતું. આજે સવારે રામ કદમના ઘર પાસેથી યાત્રાની શરૂઆત થવાની હતી. પરંતુ રામ કદમ યાત્રા માટે ઘરની બહાર આવ્યા કે તેમની અટકાયત કરાઈ હતી. 
રામ કદમના ઘરની બહાર પોલીસની ફોજ તૈનાત કરવામાં આવી હતી. કદમની યાત્રાને પગલે ઘર બહાર કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. એટલે રામ કદમ યાત્રા માટે ઘર બહાર આવ્યા કે તુરંત પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. પોલીસની કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ છે અને સરકાર દ્વારા અવાજ રૂંધવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એમ રામ કદમે પત્રકારોને જણાવ્યું હતું. 
પાલઘર હત્યાકાંડને 211 દિવસ વીતવા છતાં હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી ન હવાથી એના વિરોધમાં જન-આક્રોશ યા6નું આયોજન કરવાની જાહેરાત રામ કદમે કરી હતી. એ મુજબ બુધવારે સવારે સાડા આઠ વાગ્યે રામ કદમ તેમના ખારસ્થિત ઘરથી યાત્રાની શરૂઆત કરવાના હતા. પોલીસે યાત્રા શરૂ થાય એ પહેલાં જ રામ કદમ સહિત ભાજપના અમુક પદાધિકારીઓની ધરપકડ કરી હતી. 
દરમિયાન, રામ કદમને પોલીસે પકડ્યા હોવાની જાણ થતાં જ ભાજપના નેતા નારાયણ રાણે અને નિતેશ રાણે ખાર પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પોલીસે ચેતવણી આપી રામ કદમને છોડ્યા હતા. જોકે, રામ કદમે તેમનું આંદોલન ચાલુ રહેશે એવી જાહેરાત કરી હતી.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer