મહાવિતરણ પરનો આર્થિક બોજો ભાજપ સરકારની દેણ છે

મુંબઈ, તા. 18 :  કોરોનાને લીધે મહાવિતરણ વીજ કંપનીની આર્થિક હાલત બગડી છે. આ પહેલા મહાવિતરણને મોટો આર્થિક ફટકો ભાજપના શાસન કાળમાં પડ્યો હતો. એ કાળમાં વીજ બિલોની વસૂલી થઈ શકી નહોતી અને કંપની સરેરાશ કાર્યક્ષમતા પણ બતાવી શકી નહોતી. ભાજપ સરકારના કાળમાં મહાવિતરણની વસૂલી રૂપિયા 50 હજાર કરોડ બાકી હતી, એવો ગંભીર આરોપ રાજ્યના ઊર્જા પ્રધાન નીતિન રાઉતે કર્યો છે. 
નીતિન રાઉતે કહ્યું હતું કે  કોરોનાના કાળમાં મહાવિતરણ કંપનીની વસુલી અૉક્ટોબર મહિનામાં 59,102 કરોડ પર પહોંચી ગઈ હતી.  20 માર્ચે ઘરગથ્થુ વીજ ગ્રાહકો પાસેથી કંપનીએ 1,373 કરોડ વસૂલવાના બાકી હતા. હવે આ બાકી વસૂલીનો આંક 4,814 કરોડ પર પહોંચી ગયો છે. કમર્શિયલ ગ્રાહકો પાસેની વસૂલીની રકમ હવે 879 કરોડ પરથી 11,241 કરોડ પર જ્યારે ઔદ્યોગિક ગ્રાહકો પાસેની વસૂલી 472 કરોડ પરથી 982 કરોડ પર પહોંચી ગઈ છે. 
તેમણે મંગળવારે એમપણ કહ્યું હતું કે વીજ વપરાશકારો જેમ ગ્રાહક છે, એમ મહાવિતરણ કંપની પણ એક ગ્રાહક છે. મહાવિતરણે વીજ બહારથી ખરીદવી પડે છે. વિવિધ પ્રકારના શુલ્ક પણ ભરવા પડે છે. ગ્રાહકોને બિલ હપ્તામાં ભરવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. 
તેમણે કહ્યું હતું કે વીજ ગ્રાહકોને રાહત મળે એ માટે મેં મારા તરફથી બનતા બધા પ્રયત્નો કર્યા હતા, આમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ મળી નહીં. વીજ બિલ વસૂલીનું 69 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે એટલે હવે ગ્રાહકોને સગવડ કરી આપવાનું બંધ કરાયું છે. મહાવિતરણ રૂપિયા 69 હજાર કરોડની ખોટમાં છે. હવે અમે કરજ પણ લઈ શકીએ એમ નથી. 
બીજી તરફ અધધધ વીજ બિલના મુદ્દે વિપક્ષ ભાજપે સરકારને ફરી એકવાર સાણસામાં લેવાની શરૂઆત કરી છે. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કોરોના કાળમાં વીજ બિલમાં રાહત અને સગવડ અપાશે એવી જાહેરાત બાદ યુ-ટર્ન લેવો એ લાખો વીજ ગ્રાહકો સાથે છેહ છે. એસટી મહામંડળની જેમ મહાવિતરણને પણ સરકારે ન્યાય અને કમસે કમ રૂપિયા પાંચ હજાર કરોડની આર્થિક મદદ કરવી જોઈએ.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer