બિહારમાં ભાજપના ત્યાગને બિરદાવવા સ્યાહી ખૂટી જાય એમ છે : શિવસેના

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રમાં ભાજપે વધુ સીટો મેળવીને બીજા નંબરે સીટો મેળવનારી શિવસેનાને મુખ્ય પ્રધાન પદ ન આપ્યું પરંતુ બિહારમાં ત્રીજા નંબરની પાર્ટી જેડીયુને મુખ્ય પ્રધાન પદ આપ્યું, ભાજપના આ રાજકીય ત્યાગની પ્રશંસા માટે સ્યાહી ખૂટી પડશે, એવો ટોણો શિવસેનાએ ભાજપને માર્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની સંખ્યામાં ત્રીજા નંબરે રહેલી જનતા દળ (યુનાઇટેડ)ને મુખ્ય પ્રધાન પદ આપીને યુતિ ધર્મ બજાવ્યાના ભાજપના દાવા સામે શિવસેનાએ આ કટાક્ષ કર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનાના અગ્રલેખમાં એવું પણ જણાવાયું છે કે ભાજપના સહારે નીતિશ સરકાર કેટલું લાંબુ ખેંચશે અને મુક્તપણે કામ કરી શકશે એ સવાલ છે. 
બિહાર વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કુલ 243 સીટોમાંથી સૌથી વધુ 75 બેઠક રાષ્ટ્રીય જનતા દળને અને ભાજપને બીજા નંબરે 74 બેઠકો મળી છે. ભાજપના સહયોગી જનતા દળ યુનાઇટેડને 43 બેઠકો મળી હતી છતાં ભાજપે યુતિ પ્રમાણે નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા છે. જો કે ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 105 સીટો જીતી હતી અને મહાયુતિમાં શિવસેનાએ બીજા નંબરે 56 સીટો જીતી હતી. જો કે મુખ્ય પ્રધાન પદની અઢી-અઢી વર્ષની વહેચણીના મુદે બંને પાર્ટી વચ્ચે ખટરાગ થતાં કેસરિયા યુતિની સરકાર નહોતી બની શકી. 
ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસના સહયોગથી મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકાર બનાવી છે.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer