ભારતીય લશ્કરે અહેવાલને આધારહિન ગણાવ્યો

ચીને લદ્દાખમાં ઘાતક માઇક્રોવેવ વેપનનો ઉપયોગ કરેલો ?
નવી દિલ્હી, તા. 18 : ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો પર ખીલાવાળા દંડાઓથી હુમલો કરનારી ચીનની સેનાનો ભારતીય સૈનિકો વિરુદ્ધ લદ્દાખમાં નવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરવાનો મોટો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીની સેના પીએલએએ પૂર્વ લદ્દાખમાં ભારતીય સૈનિકોને પાછળ ધકેલવા માટે રેડિએશન પેદા કરનારા અત્યંત ઘાતક કિરણોનો ઉપયોગ કર્યો હતો. જો આ સત્ય છે તો દુનિયામાં દુશ્મન સેનાની વિરુદ્ધ આ હથિયારનો ઉપયોગ કરવાની આ પહેલી ખતરનાક ઘટના છે.
જોકે, ભારતીય સેનાએ આ અહેવાલને પાયાવિહોણો અને અફવા ગણાવ્યો છે. સેના તરફથી જણાવાયું હતું કે, આવા અહેવાલો આધારહિન અને ગેરમાર્ગે દોરનારા છે. ગલવાન ખીણમાં થયેલી અથડામણ માત્ર હાથોહાથની મારામારી અને દંડા, ખીલા લોખંડના સળિયા જેવા પરંપરાગત હથિયારો સાથેની હતી, તેમાં કોઈ સોફેસ્ટિકેટેડ વેપન્સ કે માઇક્રોવેવ વેપન્સનો ઉપયોગ નહોતો થયો.
બીજી તરફ ચીની નિષ્ણાતનો દાવો છે કે એક પણ ગોળી ચલાવ્યાં વગર આ હુમલા બાદ ભારતીય સૈનિકો બે પહાડીઓ પર પાછળ હટી ગયા હતા. ચીનની રાજધાની બેઇજિંગની રેનમિન યુનિવર્સિટીમાં પ્રોફેસર જિન કાનરોંગે જણાવ્યું કે ચીનના આ ઘાતક હથિયારમાં માઇક્રોવેવ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ઝપેટમાં આવતા જ સૈનિકોને અત્યંત ભયંકર પીડા થાય છે અને ઊભા રહેવામાં ઘણી જ મુશ્કેલી થવા લાગે છે. ભારત અને ચીનની વચ્ચે 1996માં થયેલી સંધિ પ્રમાણે આ પ્રકારના ઘાતક હથિયારના ઉપયોગ પર પ્રતિબંધ છે.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer