યુએસ ચૂંટણીને ઈતિહાસની સૌથી સુરક્ષિત ગણાવનાર અધિકારીની ટ્રમ્પે કરી હકાલપટ્ટી

વાશિંગ્ટન, તા. 18 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીને રૂખસદ આપી દીધી છે. આ અધિકારીએ ગત સપ્તાહે 3જી નવેમ્બરના યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીને અમેરિકાના ઇતિહાસની સૌથી સુરક્ષિત ચૂંટણી હોવાનું નિવેદન કર્યું હતું. ટ્રમ્પે તાજેતરમાં સંપન્ન થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ બાદ મતગણતરી પ્રક્રિયામાં ગોલમાલ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ટ્રમ્પે કેટલાક રાજ્યોમાં કેસ દાખલ કરાવ્યા છે, પરંતુ તેઓ પોતાના દાવા સામે નક્કર પુરાવા રજૂ કરી શક્યા નથી. 
મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમણે ગૃહ મંત્રાલયમાં સાયબર સિક્યોરિટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટી એજન્સીના ડાયરેક્ટર ક્રિસ્ટોફર ક્રેબ્સને પાણીચું આપી દીધું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 2020માં ચૂંટણીની સુરક્ષાને લઈને ક્રેબ્સનું નિવેદન તદ્દન ખોટું છે. ચૂંટણીમાં વ્યાપકપણે ગેરરીતિ અને ગરબડ થઈ છે, મૃત્યુ પામેલા લોકોના મતોની ગણતરી પણ કરાઈ, પોલ એજન્ટનો મતદાન કેન્દ્રોમાં પ્રવેશવાની મંજૂરી પણ અપાઈ નહતી, વાટિંગ મશિનમાં ગરબડ હતી, જેને કારણે ટ્રમ્પ માટે આપેલા મતો પણ જૉ બાયડનને મળ્યા હતા. જોકે, ટ્વીટરે આ ટ્વીટને વિવાદિત હોવાનું અને તેને સમર્થન નહીં હોવાનું કહી ફ્લેગ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના સંખ્યાબંધ ટ્વીટને ફ્લેગ કરી દેવામાં આવ્યા છે. 
 ક્રિસ ક્રેબ્સને સાયબર સિક્યોરિટી ઍન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટી એજન્સીના ડાયરેક્ટર પદેથી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે છે તેમ ટ્રમ્પે જણાવ્યું હતું. યુએસના તમામ મીડિયાએ જૉ બાયડેનને ચૂંટણીમાં રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા હતા. Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer