લક્ષ્મી વિલાસ બૅન્કના ડીબીએસમાં સહજ જોડાણને પ્રાથમિકતા અપાશે : મનોહરન

'ખાતેધારકોને ચિંતા કરવાની જરૂર નથી'
ચેન્નઈ, તા. 18 : લક્ષ્મી વિલાસ બૅન્કના ડીબીએસમાં જોડાણની પ્રક્રિયા સહજતાથી પૂર્ણ કરવાની બાબતને અમે સર્વોચ્ચ પ્રાધાન્ય આપી રહ્યા છીએ, એમ આરબીઆઈ દ્વારા નિયુક્ત વહીવટદાર ટી. એન. મનોહરને જણાવ્યું છે.
કૉન્ફરન્સ કૉલ દરમિયાન તેમણે જણાવ્યું કે ડીબીએસ બૅન્ક (ઇન્ડિયા) આ વિલિનીકરણ માટે પર્યાપ્ત મૂડી ધરાવે છે.
ડીબીએસ બૅન્ક (ઇન્ડિયા) દ્વારા પ્રસ્તાવિત મૂડી સહાય વગર પણ જોડાણ પછી બૅન્ક પાસે પુરતી મૂડી ઉપલબ્ધ હશે. રૂા. 2,500 કરોડની વધારાની મૂડી મર્જ થયેલી બૅન્કના વહીવટ માટે ઉપયુક્ત થશે અને બૅન્કના વિકાસમાં મદદરૂપ થશે.
આરબીઆઈએ જાહેર કરેલી મર્યાદા હેઠળ ગ્રાહકોને નાણાં ઉપાડવામાં મદદ કરવાનો અમારો ધ્યેય છે અને તાકીદની જરૂરિયાત માટે રૂા. પાંચ લાખ સુધીના ઉપાડને મંજૂરી અપાશે, એમ મનોહરને જણાવ્યું હતું.
બૅન્કના ખાતેધારકોએ ગભરાવાની જરૂર નથી, અમારી પ્રાથમિકતા ધાતાધારકોના હિતોની સુરક્ષા કરવા અને જોડાણની પ્રક્રિયા વડે બૅન્કને નવજીવન આપવાની છે, એમ તેમણે ઉમેર્યું હતું.
જોકે, તેમણે ઇક્વિટી શૅર હોલ્ડર્સના હિતો વિશે કશું કહેવાનો ઇનકાર કર્યો હતો. નવું મેનેજમેન્ટ બૅન્કના સંચાલનને લગતા પ્રશ્નો ઉકેલવા પ્રયાસ કરશે.
બૅન્કની 563 શાખાઓ છે અને તેનો કુલ સ્ટાફ 4,100નો છે. તેમના પગાર અને કોન્ટ્રેક્ટની શરતો પહેલાંની જેમ યથાવત રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
વડોદરાની લક્ષ્મી વિલાસ બેંક પર ખાતેદારો ઉમટયા
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લક્ષ્મી વિલાસ બેન્ક પર સકંજો કસાયો છે. બેંક પર આરબીઆઈએ બેન્કમાં પોતાના ખાતામાંથી મહત્તમ રૂપિયા 25 હજારની રકમ ઉપાડી શકશે. વડોદરામાં પણ અલકાપુરી ખાતે બેંકની શાખા આવેલી છે. બેંક અંગેના સમાચાર વહેતા થતા ખાતેદારો અહીં પૈસા ઉપાડવા ઉમટી પડયા હતા. આ સાથે અહીં હોબાળો મચી ગયો હતો. 

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer