ઘરે જ કોરોનાની તપાસ થઈ શકશે

ઘરે જ કોરોનાની તપાસ થઈ શકશે
અમેરિકન એફડીએએ પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને મંજૂરી આપી, આનાથી 30 મિનિટમાં રિઝલ્ટ મળી જાય છે 
વાશિંગ્ટન, તા. 18 : યુએસ  ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ)એ મંગળવારે કહ્યું હતું કે તેને પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. આ કિટ દ્વારા ઘરે જ કોરોના ટેસ્ટ કરવામાં આવી શકે છે. આનાથી માત્ર 30 મિનિટમાં રિઝલ્મટ મળી જાય છે. 
એફડીએ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિંગલ યુઝ ટેસ્ટ કિટનું નિર્માણ લ્યુકિરી હેલ્થે કર્યું છે, જેનો ઉપયોગ ઈમર્જન્સીમાં કરવામાં આવી શકે છે. આ કિટ દ્વારા પોતાના નાકમાંથી સેમ્પલ લઈને ટેસ્ટ કરી શકાય છે.14 વર્ષ અથવા તેનાથી મોટા લોકો આ કિટ દ્વારા કોરોનાનો ટેસ્ટ કરી શકે છે. 
એફડીએના કમિશનર સ્ટીફન હાને કહ્યું, અત્યારસુધી ઘરે જઈને કોવિડ-19 ટેસ્ટનું સેમ્પલ લેવાની મંજૂરી હતી, જેનું રિઝલ્ટ પછી આવતું હતું. આ પહેલી એવી કિટ છે જેનો ઉપયોગ જાતે કરી શકાય છે અને તે પણ ઘરે જ રિઝલ્ટ આપે છે. યુએસએફડીએએ કહ્યું હતું કે આ કિટનો ઉપયોગ હૉસ્પિટલમાં પણ કરી શકાય છે, પણ 14 વર્ષથી ઓછી ઉમરના લોકોના ટેસ્ટ માટે સેમ્પલ કોઈ હેલ્થ વર્કર જ લેશે. 
અમેરિકામાં આગામી વર્ષ જુલાઈ સુધી બધાને કોરોના વેક્સિન લાગી જશે 
અમેરિકાએ તમામ નાગરિકોને વેક્સિન આપવાનું પ્લાનિંગ કરી દીધું છે. આગામી મહિનાથી આ અભિયાન શરૂ થઈ જશે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડિસેમ્બરના અંત સુધી લગભગ બે કરોડ લોકોને વેક્સિન લાગી શકે છે. એપ્રિલ સુધી ત્યાં વેક્સિનના 70 કરોડ ડોઝ તૈયાર થઈ જશે, જેને ધ્યાનમાં રાખીને અમેરિકાના તમામ નાગરિકોને વેક્સિન આપવાનું કામ એપ્રિલથી જુલાઈ વચ્ચે સમાપ્ત થઈ જશે. મોડર્ના અને ફાઇઝરે જે વેક્સિન તૈયાર કરી છે તેના બે ડોઝ એક વ્યક્તિને લગાડવાના છે.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer