લક્ષ્મી વિલાસ બાદ મંતા અર્બન કૉ-અૉપરેટિવ બૅન્ક પર આરબીઆઈએ મૂક્યો પ્રતિબંધ

લક્ષ્મી વિલાસ બાદ મંતા અર્બન કૉ-અૉપરેટિવ બૅન્ક પર આરબીઆઈએ મૂક્યો પ્રતિબંધ
છ માસ સુધી કોઈ દેવું કે ઉધાર નહીં આપી શકે
નવી દિલ્હી, તા. 18 : ભારતીય રિઝર્વ બૅન્કએ લક્ષ્મી વિલાસ બાદ વધુ એક બૅન્ક પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મંતા અર્બન કૉ.અૉપરેટિવ બૅન્ક પર લગાવ્યો છે. આરબીઆઈ અનુસાર તેને આ બૅન્કને કેટલાક આદેશ આપ્યા હતા, જે 17 નવેમ્બર 2020માં બૅન્ક બંધ થયા બાદથી છ મહિના સુધી પ્રભાવી થશે.
આ આદેશ અનુસાર, આ બૅન્ક આરબીઆઈની પરવાનગી વગર કોઈ દેવું અથવા ઉધાર નહી આપી શકે અને ના તો પૂરા દેવાનું નવીનીકરણ અથવા કોઈ રોકાણ કરી શકશે. બૅન્ક પર નવી જમા રકમ સ્વીકારવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તે કોઈ ચુકવણી પણ નથી કરી શકતું અને ના તો ચુકવણી કરવા કોઈ સમજૂતી કરી શકશે. જોકે, આરબીઆઈએ પ્રતિબંધનો આધાર નથી ગણાવ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં રિઝર્વ બૅન્કને પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કૉ-અૉપરેટિવ બૅન્ક (પીએમસી)માં થઈ રહેલા કૌભાંડની ખબર પડી હતી. આ કૌભાંડ સામે આવતા જ આરબીઆઈએ બૅન્ક પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બૅન્કને સંકટથી બચાવવા માટે આરબીઆઈએ 24 સપ્ટેમ્બર 2019માં પૈસા કાઢવા પર એક સીમા અથવા મોરેટોરિયમ લગાવી દીધો હતો.
આ પહેલા નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહેલી ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બૅન્ક પર એક મહિના સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં બૅન્કનો કોઈ ખાતાધારક વધુમા વધુ 25,000 રૂપિયા સુધી પૈસા ઉપાડી શકશે. બૅન્કની ખરાબ નાણાકીય હાલતને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે. ભારતીય રિઝર્વ બૅન્કે એક નિવેદનમાં કહ્યું હતું કે, બૅન્ક તરફથી વિશ્વસનીય પુનરોદ્ધાર યોજના રજૂ ના કરવાની સ્થિતિમાં જમા ધારકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ બૅન્કિંગ અને નાણાકીય વિસ્તારની સ્થિરતાના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

કેન્દ્રીય બૅન્કે કહ્યું કે, આ સિવાય કોઈ વિકલ્પ બાકી નહતો. માટે બૅન્કિંગ નિયમન અધિનિયમ 1949ની કલમ 45 હેઠળ કેન્દ્ર સરકારે ખાનગી વિસ્તારની બૅન્ક પર પ્રતિબંધ લગાવ્યો છે. યસ બૅન્ક બાદ આ વર્ષે મુશ્કેલીમાં ફસાયેલી લક્ષ્મી વિલાસ બૅન્ક ખાનગી વિસ્તારની બીજી મોટી બૅન્ક બની ગઈ છે. યસ બૅન્ક ઉપર માર્ચમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારે ત્યારે ભારતીય સ્ટેટ બૅન્ક (એસબીઆઈ)ની મદદથી યસ બૅન્કને બહાર કાઢી હતી. એસબીઆઈએ યસ બૅન્કની  45 ટકા ભાગીદારીના બદલે 7,250 કરોડ રૂપિયા લગાવ્યા હતા.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer