મુંબઈની શાન ગણાતી ડબલ ડેકર બસ આવતા વર્ષે મહાનગરના રસ્તા પર ફરી દોડતી થશે

મુંબઈની શાન ગણાતી ડબલ ડેકર બસ આવતા વર્ષે મહાનગરના રસ્તા પર ફરી દોડતી થશે
વેલકમ, ડબલ ડેકર બસ 
મુંબઈના રસ્તા પર બેસ્ટની ડબલ ડેકર બસો પહેલાની જેમ ફરી દોડતી થવાની છે. હાલમાં જ સમાચાર આવ્યા છે કે `બેસ્ટ' 100 નવી ડબલ ડેકર બસનો સમાવેશ પોતાના કાફલામાં કરવાનું છે. નાના બાળકોને ડબલ ડેકર 
બસના ઉપરના માળ પર પ્રવાસ બેસવાની મજા પડે એ સમજી શકાય, પણ મોટા પણ ઉપલા માળ માળ પર બેસવા માટે પડાપડી કરતા હોય છે. 
એ સમયે સીએસએમટી બેકબે ડેપો સુધી  દોડતી ડબલ ડેકર બસ રૂટનો પ્રવાસ બહુ લોકપ્રિય હતો. મરીન ડ્રાઈવ થઈને આ બસ જતી. દરિયાદેવના પણ દર્શન થઈ જતા. મુંબઈ દર્શન થઈ ગયા જેવો આનંદ મળતો. મુંબઈ ફરવા આવતા ઘણા લોકો માત્ર આનંદ ખાતર આ બસ રૂટમાં મુસાફરી કરતા. 
લંડનની ડબલ ડેકર રેડ બસની જેમ બેસ્ટની ડબલ ડેકર પણ મુંબઈની શાન હતી. મુંબઈમાં હવે કેટલાક સીમિત રૂટ્સ પર જ દોડતી. વાંકાચુકા કે આડાઅવડા રૂટને બદલે સીધા રૂટ પર એને દોડાવવામાં આવતી. વાંકાચૂકા રસ્તા પર એક્સિડન્ટની શક્યતા કારણે તેને સીધા-સળંગ રૂટ પર જ દોડાવાતી. મુંબઈમાં ડબલ ડેકર બસના એક-બે અકસ્માત પણ થયા છે. મુંબઈ દર્શન માટે પણ ડબલ ડેકર બસનો ઉપયોગ કરાતો. બોરિવલીથી ઉપડતી બસ મહત્વના સ્થળે રોકાતી. આવી બસના ઉપલા માળના રૂફ ન હોય. ટુરિસ્ટો તેમની સીટ પર બેઠાં બેઠાં મુંબઈને માણી શક્તા. 
પણ આ ડબલ ડેકર બસનો મેઈન્ટેનન્સ ખર્ચ વધુ આવતો હોવાથી 2018માં તેની સંખ્યા ઘટાડવાનો ફેંસલો કરાયો.  લોકોના દિલ પણ ઘવાયા. જોકે હવે બેસ્ટે 100 નવી-આધુનિક ડબલ ડેકર બસ માટે ટેન્ડરો બહાર પાડ્યા છે અને મુંબઈની શાન ગણાતી આ બસો આવતે વર્ષે ફરીથી દોડતી થશે. મુંબઈગરાના તૂટેલા દિલ ફરી જોડાઈ જશે. 
મુંબઈમાં 1937મા ડબલ ડેકર બસ દોડવાની શરૂઆત થઈ હતી. એ વખતે ઘોડાથી બસ ખેંચવામાં આવતી. પછી અશ્વો નીકળી ગયા. એ સમયમાં પણ ડબલ ડેકરમાં પ્રવાસ કરવાને એક લ્હાવો ગણાતો. લોકપ્રિયતા જોઈ ડબલ ડેકરની સર્વિસ વધારવામાં આવી. દસ વર્ષ બાદ એટલે કે 1937માં મુંબઈના રસ્તા પર ડબલ ડેકર બસોની સંખ્યા 141 હતા. મુંબઈની પ્રગતિ સાથે ડબલ ડેકરની સંખ્યા પણ વધી. 1993માં બેસ્ટ પાસે 882 ડબલ ચેકર બસ હતી. અત્યારે 120 જ છે અને અમુક જ રૂટ પર એ દોડે છે. સિંગલ ડેકર બસ કરતા ડબલ ડેકર બસનો મેઈન્ટેનન્સ ખર્ચ દોઢગણો આવતો હવાથી બેસ્ટે તેની સંખ્યા ઘટાડવાની શરૂઆત કરી છે. 
બેસ્ટે હવે 100 ડબલ ડેકર બસ ખરીદવાનો ફેંસલો કર્યો છે. ટેન્ડરો પણ બહાર પડી ગયા છે. સાત ડિસેમ્બરે આ ટેન્ટર ખુલશે. આ બસમાં બે દરવાજા હશે અને બસ ચાલુ થતાં જ બંને દરવાજા બંધ થઈ જશે. ઈમરજન્સી દરવાજો પણ હશે. સીસીટીવી કેમેરા પણ પ્રવાસીઓ પર નજર રાખશે. ટુ બાય ટુની બેસવાની વ્યવસ્થા હશે. મહત્વનું તો એ છે કે લંડનની ડબલ ડેકર રેડ બસ જેવો એનો આકાર હશે. 
આ નવી બસમાં ઉતરવા-ચડવાના બે અલગ અલગ દાદરા હશે અને પ્રવાસીની ક્ષમતા 70ની હશે જે વધારીને ભવિષ્યમાં 100ની કરી શકાશે. બસનું ડિઝલ એન્જિન પણ પર્યાવરણને અનુકુળ બી-6 હશે. ઉપલા અને નીચલા માળનો કંડક્ટર એકમેક સાથે વાત કરી શકે એવી પણ બસમાં વ્યવસ્થા હશે. 
બેસ્ટની વાત કરીએ તો એની પાસે કુલ 3500 જેટલી બસોનો કાફલો છે. એમાંથી 120 ડબલ ડેકર બસ છે, પણ આમાથી 100 જેટલી ડબલ ડેકર બસનું આયુષ્ય પુરું થઈ ગયું છે એટલે તેને ભંગાર કાઢી નાખવામાં આવશે. બેસ્ટના 2020-21ના બજેટમાં પણ 100 જેટલી ડબલ ડેકર બસોને ભંગારમાં કાઢવાનો પ્રસ્તાવ હતો. બેસ્ટે બજેટમાં એમ કહ્યું હતું કે અમે માત્ર 20 ડબલ ડેકર બસોને જાળવીશું. હવે 100 ભંગાર ડબલ ડેકરનું સ્થાન નવી આધુનિક ડબલ ડેકર બસ લેશે. તો, ઉપરના માળની પહેલી સીટ પર બેસવા તૈયાર થઈ જાવ.  Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer