કોરોના મહામારી, ક્લાઇમેન્ટ ચેન્જ અને ઇન્ડો-પૅસિફિક રીજનમાં સહયોગની ચર્ચા

કોરોના મહામારી, ક્લાઇમેન્ટ ચેન્જ અને ઇન્ડો-પૅસિફિક રીજનમાં સહયોગની ચર્ચા
વડા પ્રધાન મોદી અને જૉ બાયડન વચ્ચે વાતચીત 
વૉશિંગ્ટન, તા. 18 : વડા પ્રધાન મોદીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડન સાથે અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ટેલિફોનિક ચર્ચા કરી છે. મોદી અને જૉ બાયડને કોરોના મહામારી, ક્લાઇમેટ ચેન્જ અને ઇન્ડો-પેસિફિક રિઝનમાં સહયોગની ચર્ચા કરી છે.
અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂએ કહ્યું કે, વડા પ્રધાન મોદી અને જૉ બાયડન વચ્ચે એક સકારાત્મક વાટાઘાટો થઈ છે. આ વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસને પણ જીતની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, અમેરિકામાં વસતા ભારતીય-અમેરિકનો માટે આ ગર્વની ક્ષણ છે. તેઓ એક પ્રેરણાસ્રોત છે અને ભારતને તેમની સિદ્ધી પર ખૂબ જ ગર્વ છે.
પોતાની વાતચીત દરમિયાન બન્ને નેતાઓએ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને કોરોના મહામારી સંબંધી ચર્ચા કરી હતી. આ સિવાય તેમણે સ્વાસ્થ્ય અને ફાર્માસ્યૂટિકલ્સ, ખાસ કરીને વેક્સિનના સ્ટેટસ પર પણ ચર્ચા કરી છે.
તરનજીત સિંહ સંધૂએ કહ્યું કે 2014માં જ્યારે મોદી અમેરિકાની પોતાની પ્રથમ સત્તાવાર યાત્રા પર વૉશિંગ્ટન આવ્યા હતા, ત્યારે વાઇસ પ્રેસિડન્ટ રહેલા જૉ બાયડને મોદી માટે લંચનું આયોજન કર્યું હતું. 2016માં જ્યારે ફરીથી વડા પ્રધાન મોદી અમેરિકા આવ્યા, ત્યારે અમેરિકન કૉંગ્રેસને સંબોધિત કરી હતી.  આ સંબોધન દરમિયાન પણ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જૉ બાયડને જ સંયુક્ત સત્રની અધ્યક્ષતા કરી હતી. આજ કારણ છે કે બન્ને નેતાઓ વચ્ચે વાતચીત સકારાત્મક રહી છે.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer