કૉંગ્રેસના ટીકાકારો બીજા પક્ષમાં જોડાય અથવા પોતાનો પક્ષ સ્થાપે

કૉંગ્રેસના ટીકાકારો બીજા પક્ષમાં જોડાય અથવા પોતાનો પક્ષ સ્થાપે
સિબલ ઉપર અધીર રંજન ચૌધરીનો હુમલો

ચિદમ્બરમ: પક્ષની સંગઠનશક્તિના અભાવથી પરાજય થયો

આનંદ કે. વ્યાસ તરફથી  

નવી દિલ્હી, તા. 18: બિહાર વિધાનસભાની અને અન્ય રાજ્યોની પેટાચૂંટણીમાં કોંગ્રેસના કંગાળ દેખાવના પગલે શરૂ થયેલો આંતરિક કલહ આજે વકર્યો હતો. કપિલ સિબલની ટીકાનો આકરો જવાબ વાળતા  લોકસભામાં પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસમાં રહીને  ટીકા કરનારાઓ બીજા કોઈ પક્ષમાં જોડાઈ જાય  પોતાનો જુદો

પક્ષ સ્થાપે. 

ચૌધરીએ સિબલનું નામ દીધા વિના કહ્યું કે આવા નેતાઓ પક્ષના પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની નજીક છે. તેઓ ધારે ત્યારે તેમના મુદ્દાઓની આ નેતાઓ સમક્ષ રજુઆત કરી શકે છે. ''જો કોઈ એવું માનતું હોય કે તેમના માટે કોંગ્રેસ યોગ્ય નથી તો તેઓ જેને પ્રગતિશીલ માનતા હોય અને જ્યાં તેમના હિતો સચવાતા હોય તેવા પક્ષમાં જોડાઈ જાય અથવા પોતાનો અલગ પક્ષ સ્થાપે. પરંતુ પક્ષમાં રહીને તેમણે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં જેથી કોંગ્રેસની વિશ્વસનીયતાને નુકસાન થાય.'' 

બિહારમાં ચૂંટણી પ્રચાર ચાલતો હતો ત્યારે આ નેતાઓ ક્યાં હતા તેવો સવાલ કરતા ચૌધરીએ કહ્યું કે, જો તેઓ પક્ષમાં રહીને ખરેખર સુધારા કરવા માંગતા હોય તો તેમણે કામ કરી બતાવવું જોઈએ. શું તેમણે ચૂંટણી પ્રચારની જવાબદારી માથે લીધી હતી? એવો પ્રશ્ન ચૌધરીએ કર્યો હતો.  

સિબલની ટીકાના પગલે પક્ષમાંથી ઘણો વિરોધનો સુર બહાર આવી રહ્યો છે. કાર્યકર્તાઓથી નેતાઓ કહી રહ્યા છે કે, હવે આત્માચિંતનનો સમય પૂરો થયો છે. 

આ સાથે પક્ષના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે પણ કોંગ્રેસના પરાજયનો બળાપો એક હિન્દી દૈનિકને આપેલી મુલાકાતમાં વ્યક્ત કર્યો હતો. ચિદમ્બરમે કહ્યું કે, બિહાર વિધાનસભાની અને અન્ય રાજ્યોની પેટા ચૂંટણી પરિણામોએ બતાવ્યું છે કે, કોંગ્રેસનું તળિયાના સ્તરે કોઈ સંગઠન નથી અથવા તે બહુ નબળું છે. બિહારના પરિણામો વિષે કપિલ સિબલની ટીકાનો સંયમિત ઉત્તર આપતા ચિદમ્બરમે કહ્યું કે, પક્ષે ઓછી બેઠકો પર ચૂંટણી લડવી જોઈતી હતી. પરંતુ  ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક વિધાનસભાની બેઠકોની ચૂંટણીમાં પક્ષના પરાજય વિષે ચિદમ્બરમે વધુ સ્પષ્ટવક્તા બનીને કહ્યું કે, આ રાજ્યોમાં પક્ષનું સંગઠન માળખું નબળું પડી ગયું છે અથવા તો તે અસ્તિત્વ જ ધરાવતું નથી. સામ્યવાદી અને એઆઇએમઆઇએમનો દાખલો આપતા ચિદમ્બરમે કહ્યું કે, આવા  નાના પક્ષોએ પણ બતાવ્યું છે કે  તળિયાના સ્તરે સંગઠન શક્તિ મજબૂત હોય તો ચૂંટણી જીતી શકાય છે.''

વિરોધ પક્ષો ભાજપ અને તેના સાથી પક્ષોને  ચૂંટણીમાં હરાવી શકે પણ તે માટે તેમણે જમીની સ્તરે સંગઠનને મજબૂત બનાવવું પડે'' એમ તેમણે કહ્યું. Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer