ફાઈઝરની રસી 95 ટકા અસરકારક

ફાઈઝરની રસી 95 ટકા અસરકારક
કોરોના સામેની લડાઈમાં મોટી સફળતા
વૅક્સિન સલામત છે, તાકીદની મંજૂરી માટે અરજી કરશે
વૉશિંગ્ટન, તા. 18 (પીટીઆઈ) : ફાર્મા કંપની ફાઈઝરની કોરોના રસી ફેઝ-3 ટ્રાયલમાં 95% સુધી અસરકારક રહી છે. કંપનીના અનુસાર, રસી વૃદ્ધજનો પર પણ કારગત સાબિત થઈ છે. તેની કોઈ ગંભીર આડઅસરો પણ જોવા મળી નથી. ફાઈઝરે બુધવારે કહ્યું હતું કે હવે કંપની થોડા દિવસોમાં જ રેગ્યુલેટરી અપ્રુવલ માટે અરજી કરશે. આ વર્ષે રસીના 5 કરોડ ડોઝ બનાવવાની તૈયારી છે. 
ફાઈઝરે સ્ટડીમાં કોવિડ-19ના 170 કેસો સામેલ કર્યા હતા. સ્વયંસેવકોને પ્રથમ ડોઝ અપાયાના 28 દિવસ પછી તે કોરોનાથી બચાવમાં 95% અસરકારક રહી હતી. કંપની કહે છે કે આ સફળતાની સાથે જ તેણે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી નક્કી કરાયેલ ઈમર્જન્સી ઉપયોગના સ્ટાન્ડર્ડને હાંસલ કરી લીધા છે.  સારી વાત એ રહી કે રસીને લઈને કોઈ સુરક્ષા સંબંધિત ચિંતા સામે આવી નથી.
ફાઈઝર અને બાયોએનટેકે પોતાની કોવિડ-19 વેક્સીન માટે જુલાઈમાં લેટ-સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરી હતી. તેમાં 44 હજાર લોકોને સામેલ કરાયા હતા. આ વેક્સીનને હાઈ-રિસ્ક વસતી માટે આ વર્ષના અંત સુધી મંજૂરી મળી શકે છે. 
ફાઈઝર અને બાયોએનટેકે અત્યાર સુધી પોતાની રસીની સુરક્ષા અંગે કોઈ ચિંતા વ્યક્ત કરી નથી. કંપનીઓએ મે મહિનામાં નાના સ્તરે ક્લિનિકલ ટ્રાયલ કર્યા હતા. તેમાં તેમણે વેક્સીનના ચાર વર્ઝન અજમાવ્યા હતા અને જેની તાવ કે થાક જેવી આડઅસરો સૌથી ઓછી અથવા તો મધ્યમ સ્તરની હતી, તેની પસંદગી કરવામાં આવી હતી. જો આ રસીને એફડીએ તરફથી ઈમર્જન્સી અપ્રુવલ મળશે તો લાખો લોકો લાભ ઉઠાવી શકશે. ટ્રાયલમાં સામેલ લોકોની બે વર્ષ સુધી દેખરેખ રખાશે. 
ફાઈઝરે કહ્યું કે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ઈમર્જન્સી અપ્રુવલ માટે તે એફડીએ પાસે જશે. ત્યાં સુધી તેની પાસે બે મહિનાનો સેફ્ટી ડેટા ઉપલબ્ધ રહેશે. તેના પછી એજન્સી વિશેષજ્ઞોની એક્સટર્નલ એડવાઈઝરી કમિટીની સલાહ લેશે. એ જોવાશે કે કંપનીઓ સુરક્ષિત રીતે લાખો ડોઝ બનાવી શકે છે કે નહીં.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer