કોરોના વૅક્સિનના આશાવાદથી સોના-ચાંદીમાં કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 19 : વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ એક અઠવાડિયાની તળિયાની સપાટી 1854 ડોલર સુધી ઘટી ગયો હતો. જોકે ખૂબ તૂટ્યા પછી 1863 ડોલર વળતી ખરીદી નીકળતા રનીંગ હતા. ડોલરના મૂલ્યમાં સુધારો આવ્યો છે અને કોરોના વેક્સિન વિકસિત કરવાની દિશામાં નક્કર પરિણામો મળી રહ્યા હોવાથી આર્થિક રિકવરી પણ જલ્દીથી આવશે તેવા આશાવાદ વચ્ચે સોનામાં સલામત રોકાણની માગમાં ઘટાડો થયો છે. ચાંદી પણ સોનાની સાથે પટકાઇને 23.98 ડોલર થઇ ગઇ હતી. 
વૈશ્વિક અસરે રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂા. 650ના ઘટાડામાં રૂા. 52000 થઇ ગયો હતો. ચાંદી રૂા. 1040 તૂટીને રૂા. 61800 હતી. મુંબઇ સોનું રૂા. 283 ઘટીને રૂા. 50,344 અને ચાંદી એક કિલોએ રૂા. 1100 ઘટી જતા રૂા. 61505 હતી. ભારતીય બજારમાં ધનતેરસની તુલનાએ લાભપાંચમનો ભાવ આશરે એક હજાર જેટલો ઓછો થઇ ગયો છે. 
સીએમસી માર્કેટસના વિશ્લેષક કહે છે, સોનાને કોરોના વેક્સિન તોડી રહી છે. વેક્સિન વિકસિત થઇ રહી છે અને તે સફળ પણ થશે તેવા આશાવાદથી સોનું વેંચવામાં આવી રહ્યું છે એ કારણે હવે ભાવ તૂટે તેમ જણાય છે. અમેરિકાનું જંગી ડોલરનું પેકેજ હાલ ઘોંચમાં પડ્યું છે. કારણકે ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પ્રમુખની ચૂંટણી હાર્યા છે તે સ્વીકારવા તૈયાર નથી. આવા સંજોગમાં પેકેજ આવશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા પેદા થઇ છે. ચલણ બજારમાં ડોલરનું મૂલ્ય સુધર્યું છે તેની અસરે સોનાને ઘટવું પડી રહ્યું છે. 
કોરોનાની વેક્સિન અમેરિકી ઓથોરિટીની મંજૂરી માટે એક બે અઠવાડિયામાં જ મૂકી દેવામાં આવશે તેમ સૂત્રોએ કહ્યું હતુ. રસી લાગવા માંડે એટલે બજાર પર પ્રભાવ પાડશે. સોનામાં ટૂંકાગાળામાં 1800 ડોલરનો ભાવ જોવા મળશે તેવું ચાર્ટીસ્ટો કહી રહ્યા છે. અલબત્ત કોરોનાને લીધે અર્થતંત્રોને લાગેલા ઘા રુઝાયા નથી એટલે તેની અસર દેખાયા વિના રહેવાની નથી.

Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer