એમેઝોને દેશી રમકડાંનો સ્ટોર શરૂ કર્યો

એમેઝોને દેશી રમકડાંનો સ્ટોર શરૂ કર્યો
આત્મનિર્ભર અભિયાન હેઠળ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળશે
બેંગલુરુ, તા. 19 : ભારત સરકારના `આત્મનિર્ભર ભારત`અભિયાનના ભાગરૂપે એમેઝોન ઈન્ડિયાએ બેંગ્લુરુમાં ભારતમાં બનેલા રમકડાના વેચાણ માટે એક ટોય સ્ટોર શરૂ કર્યો છે. આ સ્ટોરમાં ભારતના 15 રાજ્યમાંથી પરંપરાગત, હાથ વડે બનાવેલા તથા શિક્ષણ સહિતની તમામ કેટેગરીના ખાસ પ્રકારના સેંકડો રમકડાંનું વેચાણ કરવામાં આવશે. 
ભારતમાં બનેલા રમકડાના આ સ્ટોરને લીધે સ્થાનિક ઉત્પાદકોને ભારતીય બજારમાં ખડકાઈ રહેલા ચાઈનિઝ રમકડા સામે મદદ મળી શકશે. એમેઝોન ડોટ ઈને જણાવ્યું હતું કે આ સ્ટોરથી ભારતીય સંસ્કૃતિ, લોકવાર્તાઓ તેમ જ તેની સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક અભિગમ-વિચારો તથા નવિનતા ધરાવતા રમકડા સાથે સેંકડો સ્થાનિક ઉત્પાદકો અને વિક્રેતાઓને સ્થાનિક ડિઝાઈન તથા ઉત્પાદન માટે વ્યાપક પ્રોત્સાહન મળશે. 
આ પ્રકારના પ્રયત્નો ભારતની ઉભરતી બ્રાન્ડને ઘરઆંગણે વેગ આપશે અને સ્થાનિક કારીગરો-કલાકારોને તેમના કારોબારને વધારવામાં વેગ મળશે, તેમ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી સી.એન.અશ્વાથ નારાયણે જણાવ્યું હતું. હેન્ડમેડ ટોઈઝ સેક્શનમાં હાથ વડે બનાવેલા રમકડાં તથા વિવિધ રાજ્યોના કારીગરો દ્વારા બનાવેલી ઢીંગલીઓ (ડોલ્સ)ને પ્રદર્શિત કરવામાં આવશે. 
ત્રીજી કેટેગરીમાં માઈક્રોસ્કોપ, 4ડી એજ્યુકેશનલ એઆર (ઓગમેન્ટેડ રિયાલિટી) ગેમ, વૈજ્ઞાનિક પ્રયોગની કિટ્સ તથા અન્ય સામગ્રી સહિત ઈનોવેટીવ અને એજ્યુકેશનલ ટોઈઝને પ્રદર્શિત કરવામાં આવશે. 
મસ્માર્ટીવીટી, શુમી, સ્કીલમેટીક્સ, શીફુ, ઈનસ્ટન બોક્સ વગેરે જેવી ઘરઆંઘણાની ભારતીય બ્રાન્ડ દ્વારા તૈયાર અને ઉત્પાદિત કરાયેલા સંખ્યાબંધ ખાસ પ્રકારના ઉત્પાદનોનો પણ તેમા સમાવેશ થાય છે. સ્કીલમેટીક્સ અને શિફુ જેવી સ્થાનિક બ્રાન્ડ એમેઝોન ગ્લોબલસાલિંગ પ્રોગ્રામ મારફતે ભારતમાં તૈયાર કરાયેલા રમકડાની નિકાસ કરે છે. ભારત એસએમબી, કલાકારો તથા શિલ્પીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા પરંપરાગત કલા, હસ્તકલા તથા રમકડાનું કેન્દ્ર છે. આ સંજોગોમાં આ નવા સ્ટોરને શરૂ કરવા સાથે જ તેમના ઉત્પાદનોની માંગ વધવાને લીધે વિક્રેતાઓના સમૂહને વ્યાપક પ્રમાણમાં લાભ થશે, તેમ એમેઝોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ મનિષ તિવારીએ જણાવ્યું હતું.

Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer