મૂડી''સએ જીડીપીનો અંદાજ સુધાર્યો

મૂડી''સએ જીડીપીનો અંદાજ સુધાર્યો
નાણાંપ્રધાનના ત્રીજા આર્થિક પૅકેજની સરાહના કરી
નવી દિલ્હી, તા. 19 (એજન્સીસ) : નાણાં વર્ષ 2020-21 માટે મૂડી'સની ઇન્વેસ્ટર સર્વિસીસે દેશના જીડીપીનો અગાઉનો 11.5 ટકાના ઘટાડાનો  અંદાજ સુધારીને 10.6  ટકા કર્યો છે. તે સાથે વર્ષ 2021 - 22માં દેશના જીડીપીનો વૃદ્ધી દર 10.6 ટકાથી સુધારીને 10.8 ટકા કર્યો છે. 
આ સાથે આ રેટિંગ એજન્સીએ ગયા અઠવાડિયામાં નાણાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા ત્રીજા આર્થિક પેકેજની સરાહના કરતાં જણાવ્યું હતું કે આ પેકેજથી ઉત્પાદન ક્ષેત્રે સ્પર્ધા વધશે અને નવા રોજગારનું સર્જન થશે, તે સાથે માળખાકીય રોકાણને ટેકો મળશે. તેમ જ આર્થિક ભીંસમાં મુકાયેલા સેકટર્સને ધિરાણ ઉપલબ્ધ થશે. 
આ પેકેજ દરેક રીતે અમારા અંદાજમાં સુધારા માટે અનુકૂળ છે અને તે ક્રેડિટ પોઝિટીવ છે, એમ મૂડી'સે એક નિવેદન દ્વારા જણાવ્યું છે. 
બીજા ત્રિમાસિક ગાળાના સત્તાવાર આંકડા જાહેર થવાને દસ દિવસની વાર છે ત્યારે મૂડી'સે આ સુધારિત આંકડા જાહેર કર્યા છે. પહેલા ત્રિમાસિક ગાળામાં દેશના અર્થતંત્રની વૃદ્ધિમાં 23.9 ટકાનો ઘટાડો થયો હતો. 
કોરોના વાઈરસના ઘટી રહેલા કેસના કારણે દેશના અર્થતંત્રમાં આગળ સુધારો અપેક્ષિત હોવાનું મૂડી'સે જણાવ્યું હતું. 
આ અગાઉ ગોલ્ડમેન સેસ અને આરબીઆઇએ દેશના અર્થતંત્રમાં સકારાત્મક સુધારા થઇ રહ્યા હોવાના આંકડા જાહેર કર્યા હતા.

Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer