પ્રભાસની ''આદિપુરુષ'' 2022માં રજૂ થશે

પ્રભાસની ''આદિપુરુષ'' 2022માં રજૂ થશે
અભિનેતા પ્રભાસે પોતાની આગામી ફિલ્મ આદિપુરુષની રીલિઝ તારીખ સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. રામાયણની કથા પર આધારિત આ ફિલ્મ 2022ની 11મી ઓગસ્ટે રજૂ થશે. આ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉતે પણ આ જ તારીખ ટ્વીટર પર જણાવી છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે કઇ અભિનેત્રીને લેવી તેની વિચારણા ચાલતી હતી અને છેવટે ક્રીતિ સેનનને સીતાની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. આ થ્રીડી એકશન ડ્રામા ઇષ્ટ પર અનિષ્ટના વિજયની કથા છે. હિન્દી અને તેલુગુ એમ બે ભાષામાં બનનારી મહત્વાકાંક્ષી ફિલ્મ તામિલ, મલયાલમ, કન્નડ તથા અન્ય વિદેશી ભાષામાં ડબ થશે. 
અભિનેતા સૈફ અલી ખાન આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે. થોડા સમય અગાઉ કરીના કપૂર ખાને સૈફની તસવીર સોશિયલ મીડિયા પર મૂકીને `મોસ્ટ હેન્ડસમ ડેવિલ ઇન ધ હિસ્ટરી' એમ લખ્યું હતું. પ્રભાસે જણાવ્યું હતું કે, દરેક પાત્રના પોતાના પડકાર હોય છે. આ ફિલ્મની કથા પૌરાણિક છે એટલે ઓમ તેને ચોક્કસ રીતે ડિઝાઇન કરી રહ્યો છે. આમાં કામ કરવાથી ગૌરવની સાથે ભારે જવાબદારીનો પણ અનુભવ થાય છે.

Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer