રોહિત શેટ્ટી અને રણવીર સિંહના ''સર્કસ''નું શૂટિંગ શરૂ

રોહિત શેટ્ટી અને રણવીર સિંહના ''સર્કસ''નું શૂટિંગ શરૂ
નિર્માતા દિગ્દર્શક રોહિત શેટ્ટી અને અભિનેતા રણવીર સિંહે સુપરહિટ ફિલ્મ સિમ્બા આપી હતી. હવે આ બંને ફિલ્મ સર્કસમાં સાથે કામ કરશે. થોડા દિવસ અગાઉ રોહિતે આ ફિલ્મની જાહેરાત કરી હતી અને હવે તેનું શૂટિંગ શરૂ થયું છે. રણવીર આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. વળી તેમાં રણવીરની સાથે પૂજા હેગડે, વરુણ શર્મા અને મુરલી શર્મા છે. આ ઉપરાંત જેકલિન ફર્નાન્ડિઝ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
બાન્દરાના મહેબૂબ સ્ટુડિયોમાં સર્કસનું શૂટિંગ શરૂ થઇ ગયું છે પરંતુ કોઇને તેની ખબર પડી નથી. રોહિતની ઇચ્છા 2021ના ફેબ્રુઆરી મહિના સુધી શૂટિંગ પૂરું કરવાની છે. ફિલ્મના કેટલાક હિસ્સાનું શૂટિંગ ગોવા અને ઊટીમાં થશે. 2021ના અંતમાં ફિલ્મ રજૂ કરવાનો વિચાર રોહિતનો છે.    
નોંધનીય છે કે રણવીર અને રોહિત સાથે મળીને અંગુર નામની ફિલ્મ બનાવવાના હતા. આ ફિલ્મ સંજીવ કુમાર અભિનિત અંગુરની રિમેક હોવાનું પણ કહેવાતું હતું અને આમાં રણવીર ડબલરોલમાં જોવા મળશે એવી ચર્ચા હતી. હવે તેનું નામ અંગુરને બદલે સર્કસ રાખવામાં આવ્યું છે. 

Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer