બુમરાહ અને શમીને ટી-20 શ્રેણીમાં આરામ અપાશે ?

બુમરાહ અને શમીને ટી-20 શ્રેણીમાં આરામ અપાશે ?
ટેસ્ટ સિરીઝ માટે તૈયાર રાખવા ટીમ ઇન્ડિયાની રણનીતિ: ટી-20 શ્રેણી દરમિયાન પ્રેક્ટિસ મૅચ પણ રમાશે
નવી દિલ્હી,તા.19: ભારતીય ટીમના પ્રીમિયર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીનું ઓસ્ટ્રેલિયા સામેના લીમીટેડ ઓવર્સના 6 મેચમાં એક સાથે રમવાની સંભાવના ઓછી છે. આનું કારણ એ છે કે 17 ડિસેમ્બરથી શરૂ થતી ચાર ટેસ્ટની શ્રેણી માટે ટીમ મેનેજમેન્ટ બન્નેની તૈયાર રાખવા માંગે છે. ભારતીય ટીમ ત્રણ વન ડેની શ્રેણીનો પહેલો મેચ 27 નવેમ્બરે  રમશે. આ પછી ત્રણ ટી-20 મેચની શ્રેણી રમાશે. આ શ્રેણીના મેચો સિડની અને કેનબેરામાં રમાશે. આ બન્ને શ્રેણીમાં બુમરાહ અને શમીનો કાર્યભાર હેડ કોચ રવિ શાત્રી અને બોલિંગ કોચ ભરત અરૂણ નકકી કરશે.
ટેસ્ટ મેચોની તૈયારી માટેનો પહેલો અભ્યાસ મેચ 6થી 8 ડિસેમ્બર દરમિયાન રમાશે. આ દરમિયાન જ ટીમ ઇન્ડિયા આખરી બે ટી-20 મેચ (6 અને 8 ડિસે.) રમશે. આથી આ અભ્યાસ મેચમાં મોટાભાગે ટેસ્ટ ટીમ સાથે જોડાયેલ ખેલાડી રમશે. કદાચ રોહિત અને ઇશાંત પણ આ મેચમાં જોવા મળશે.
લીમીટેડ ઓવર્સની શ્રેણીના 6 મેચ 12 દિવસની અંદર રમવાના છે. આથી ઝડપી બોલરો ઇજાથી બચે તે રીતનું આયોજન કરવું મહત્વનું બની રહેશે. કોચ શાત્રી ઇચ્છે છે કે ટેસ્ટ મેચ પૂર્વેના અભ્યાસ મેચનો બુમરાહ અને શમી હિસ્સો બને. આથી આ બન્ને લગભગ ટી-20 શ્રેણી વખતે વિશ્રામ પર હોય શકે છે. પ્રેકટીસ દરમિયાન પણ શમી ગુલાબી દડાથી વધુ બોલિંગ પ્રેકટીસ કરતો જોવા મળ્યો હતો. પહેલો ટેસ્ટ ગુલાબી દડાથી ડે-નાઇટમાં રમાવાનો છે.  જે 17 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. 
જો બુમરાહ અને શમી ટી-20 શ્રેણીમાં બહાર રહેશે તો દીપક ચહર, ટી. નટરાજન અને નવદિપ સૈનીની ત્રિપુટીને મોકો મળશે. તેની સાથે જાડેજા અને ચહલ જેવા સ્પિનર હશે.

Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer