ક્રિકેટ અૉસ્ટ્રેલિયાના 160 કરોડ રૂપિયા દાવ પર

ક્રિકેટ અૉસ્ટ્રેલિયાના 160 કરોડ રૂપિયા દાવ પર
ભારત સામેની શ્રેણી અૉસ્ટ્રેલિયન બોર્ડ માટે ઘણી મહત્વની
નવી દિલ્હી, તા.19: કોરોના મહામારીને લીધે આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) માટે તા. 27 નવેમ્બરથી શરૂ થઇ રહેલ ભારત વિરૂધ્ધની શ્રેણી ઘણી મહત્વની છે. કારણ કે આ માટે સીએ દ્વારા ઘણા રૂપિયાનું રોકાણ કરાયું છે. કોરોનાને લીધે મોટાભાગના ક્રિકેટ બોર્ડ આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યા છે. જેમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. ભારત સામેની ત્રણેય ફોર્મેટની સિરિઝથી તેને ફાયદો થશે. 
આ સિરિઝ માટે સીએ દ્વારા બાયો બબલ તૈયાર કરાયું છે. બિગ બેશ લીગ માટે પણ આવો જ માહોલ ઉભો કરાયો છે. જેના પર લગભગ 160 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેવો અંદાજ છે. ભારત-ઓસ્ટ્રેલિયાની સિરિઝ દરમિયાન કુલ 10 મેચ રમાશે. જેની તૈયારીમાં ખેલાડીઓ લાગી ગયા છે. 
ઘાતક કોરોના વાઇરસનો પ્રકોપ ઓસ્ટ્રેલિયામાં વધી રહ્યો છે. આથી ટેસ્ટ કપ્તાન ટિમ પેનને આ ખતરાથી બચાવવા ન્યૂ સાઉથ વેલ્સ મોકલી દેવામાં આવ્યો છે.
સીએ દ્વારા સેવન વેસ્ટ મીડિયા સાથે કરાર ચાલુ રાખવા મોટું બજેટ બનાવ્યું છે. આ ચેનલ તરફથી બિગ બેશ લીગને મહત્વ ન આપવા માટે સીએ પર આરોપ મુકીને 1600 કરોડના કરારમાંથી હટી જવાની ધમકી આપી હતી. 

Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer