ગુડ મોર્નિંગ-ગુડ નાઈટના ફોરવર્ડેડ મેસેજીસ ખોલતાં પહેલા ચેતજો...

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ઘણા લોકો સવારના પહોરમાં ઊઠીને સૌથી પહેલા મિત્રો અને પરીચિતોને ગુડ મોર્નિંગના ફોટા ફોરવર્ડ કરતા હોય છે. સાંજે આ જ લોકો ગુડ ઈવાનિંગ અને રાત્રે સૂતા પહેલા ગુડ નાઈટના સંદેશા અચૂક ફોરવર્ડ કરે છે. ઘણા લોકોને આવા મેસેજીસની સાથે સાથે સુવિચારો અને પ્રેરણાદાયી મેસેજો થોકબંધ લોકોને મોકલવામાં અનેરો આનંદ આવતો હોય છે.
આવા ફોરવર્ડેડ મેસેજીસ મેળવનારા અને વાચનારાઓ ચેતજો. એ મળે કે તરત જ ડિલિટ કરી દેવા. તાજેતરમાં શાંગહાઈ ચાઈના ઈન્ટરનેશનલ ન્યૂસે તેના તમામ વાચકોને ત્રીજું રિમાન્ડર મોકલ્યું હતું. આ રિમાન્ડરમાં પણ એક્સપર્ટને ટાંકી વાચકોને ગુડ મોર્નિંગ, ગુડ નાઈટના મેસેજો, તસવીરો, વીડિયો વગેરે ફોરવર્ડ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. 
ચીનમાં હૅકરો ગુડ મોર્નિંગ, ગુડ નાઈટના મેસેજો, તસવીરો, વીડિયો વગેરે એવી રીતે તૈયાર કરે છે કે એની અંદર ફાશિંગ કોડ છૂપાયેલો હોય છે. આવા મેસેજ તમને મળે અને તમે જુઓ ત્યારે આ કોડ એક્ટિવ થાય છે અને હૅકર ફોનમાંથી તમારો અંગત ડેટા, કોન્ટેક્ટ નંબર્સ અને ખાનગી વિગતો તફડાવી લે છે. આમાં બૅન્કના પાસવર્ડ કે પછી બૅન્કના કાર્ડની માહિતી પણ હોઈ શકે. એટલે તમારા કોન્ટેક્ટ પણ હૅકર્સનો શિકાર બની શકે છે. તમારી એક ભૂલ ફોનમાંના તમામ સંપર્કોને ભારે પડી શકે છે. 
એવું કહેવાય છે કે અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો આ મોડેસ ઓપરેન્ડીનો શિકાર બન્યા છે. 
નિષ્ણાતોનું કહેવું છે કે તમારે ગુડ મોર્નિંગ, ગુડ નાઈટના મેસેજો મોકલવા હોય તો જાતે ટાઈપ કરો અને મોકલો. કોઈના આ મેસેજ ફોરવર્ડ કરવાની આદત સમુળગી કાઢી નાખો. બીજું કોઈના ફોરવર્ડેડ મેસેજ તમને મળે કે તરત જ એને ડિલિટ કરી નાખો. આ ફિશંગ કોડને ડાઉનલોડ થતા વાર લાગે છે એટલે બની શકે એટલી વહેલી તકે આવા ફોરવર્ડેડ મેસેજીસને ડિલિટ કરી નાખવાનું હિતાવહ રહેશે. તમારા મિત્રોના કાનમાં પણ આ વાત નાખજો. લોકો ઓછા છેતરાશે. 
આ ઉપરાંત મોટા ભાગના મોબાઈલધારકોને +375 (બેલારૂસ), +371 (લાટીવિયા), +381 (સર્બિયા), +563 (વાલપરાઈસો) , +370 (વિલિનિયસ), +355 (તાન્ઝાનિયા)થી શરૂ થતા નંબરથી ફોન આવતા હોય છે. એકાદ રિંગ વાગીને ફોન કટ થઈ જાય. તમે એ નંબર પર વળતો ફોન કરો કે સમજો તમે ફસાઈ ગયા. તમારો ફોન લાગે કે માત્ર ત્રણ સેકેન્ડમાં તમારા ર્માઈલનો તમામ ડેટા હૅકર્સ ડાઉનલોડ કરી લે છે. આ કોલ આતંકવાદી આઈસીસ તરફથી આવતા હોવાનું કહેવાય છે. એટલે આવા નંબરથી કોલ આવે તો ઉપાડવા નહીં અને વળતો ફોન કરવો નહીં. એમાં જ તમારી સલામતી છે. 
આ ઉપરાંત કોઈનો કોલ આવે અને તમને 90 અથવા 09 બટન પ્રેસ કરવાનું કહે તો એમ કરતા નહીં. એમ કરશો તો તમારા સીમ કાર્ડનો કન્ટ્રોલ ફોન કરનાર વ્યક્તિના હાથમાં જઈ શકે છે. એ વ્યક્તિ કદાચ આતંકવાદી પણ હોઈ શકે છે. સીમ કાર્ડનો કન્ટ્રોલ કોલ કરનારના હાથમાં આવી ગયો કે સમજો તમારું આવી બન્યું. એ ફોન તમારા નંબરથી કરશે અને તમે પણ એના સાગરિત છો એવું લાગશે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer