સીબીઆઈ તપાસ માટે રાજ્યની સહમતી જરૂરી : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે સીબીઆઈને કોઈ રાજ્યમાં તપાસ કરવી હોય તો ત્યાંની સરકારની પરવાનગી લેવી જરૂરી છે. બંધારણની જોગવાઈ મુજબ સીબીઆઈએ રાજ્યની પરવાનગી લેવી જોઈએ. કોર્ટે જણાવ્યું કે કેન્દ્ર એના અધિકાર ક્ષેત્રને વધારી શકે નહીં. 
છેલ્લાં બે વરસમાં આઠ રાજ્યોની સરકારે સીબીઆઈને રાજ્યમાં તપાસ કરવા માટે આપેલી સહમતી પાછી ખેંચી છે. આને પગલે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તંગદિલીભરી સ્થિતિ જોવા મળી છે. સુપ્રીમ કોર્ટે આપેલો આ ચુકાદો ઘણો મહત્ત્વનો છે. જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ બી.આર. ગવઈની બેન્ચે ઉત્તર પ્રદેશના ફર્ટિકો માર્કાટિંગ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને અન્યો વિરુદ્ધ સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસ અંગે આ ચુકાદો આપ્યો હતો. 
સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (ડીએસપીઈ)માં જણાવાયુ છે કે સીબીઆઈએ કોઈ પણ મામલે તપાસ કરવા પહેલાં સંબંધિત રાજ્ય સરકારની સહમતી લેવી આવશ્યક છે. ડીએસપીઈની કલમ 5 કેન્દ્ર સરકારને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપરાંત અન્ય રાજ્યોમાં તપાસ કરવા સક્ષમ બનાવે છે પણ અધિનિયમની કલમ 6 અંતર્ગત રાજ્યો તપાસ કરવા માટે સહમતી આપે નહીં ત્યાં સુધી સીબીઆઈ કાર્યવાહી કરી શકતી નથી. 
આંધ્ર પ્રદેશ સરકારે નવેમ્બર 2018ના સીબીઆઈને પરવાનગી વિના રાજ્યમાં તપાસ માટે આવવા પર પ્રતિબંધ મુક્યો હતો. એ સમયે ચંદ્રબાબુ નાયડુ મુખ્ય પ્રધાન હતા. નવેમ્બર 2018માં જ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કૉંગ્રેસની સરકારે પણ સીબીઆઈને અપાયેલી સામાન્ય સહમતી પાછી ખેંચી હતી. ત્યાર બાદ રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને કેરળે પણ સીબીઆઈને તપાસ માટે અપાયેલી સામાન્ય સહમતી પાછી ખેંચી હતી. આ મહિને પંજાબ અને ઝારખંડે પણ સીબીઆઈને પરવાનગી વિના દાખલ થવા પર પ્રતિબંધ મુકી દીધો.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer