કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ શરૂ થશે

શિક્ષણપ્રધાન ચૂડાસમાએ ગાઇડલાઇન જાહેરાત કરી 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 19 : અમદાવાદ સહિત રાજકોટ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં છેલ્લા ચાર દિવસમાં કોરોના બ્લાસ્ટ થયો હોવા છતાં પણ આજે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમાએ આગામી 23 નવેમ્બરે શાળાઓ ખૂલશે તેવી જાહેરાત કરી હતી. સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કન્ટેનમેન્ટ ઝોનમાં શાળા શરૂ કરવામાં નહીં અને એ વિસ્તારના શિક્ષકોએ પણ શાળાએ જવાનું રહેશે નહીં.  
તેમણે આજે ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગની ડીઇઓ સાથેની સમીક્ષા બેઠક યોજાઇ હતી અને તેમાં પરામર્શ બાદ આગામી 23મી નવેમ્બરથી શાળા ખૂલવાનું નક્કી કરાયું છે. દરેક સ્કૂલ પોતાની અલગ એસઓપી બનાવશે. વિદ્યાર્થીએ પાસેથી ફરજિયાત વાલીનું સંમતિપત્ર લેવામાં આવશે.  
શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, તમામ જિલ્લામાં સ્કૂલો ખોલવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શાળામાં બાળકોની હાજરી મરજિયાત છે. બાળકોનું સ્વાસ્થ્ય અમારા માટે પ્રાથમિકતા છે. કાળજીપૂર્વક કામ કરવામાં આવે તો સારું પરિણામ મળી શકે છે. જો શાળા બેદરકારી રાખશે તો તેની સામે ડીઇઓ પગલાં લઈ શકશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું કડક પાલન કરવું પડશે. સાથે સાથે તમામ શાળા સંચાલકોએ સહમતી આપી હોવાનું પણ શિક્ષણપ્રધાને જણાવ્યું હતું. કેટલાં વિદ્યાર્થીઓ હાજર રહે છે તેની માહિતી મેળવાશે. હાજરીની માહિતી 3-4 દિવસમાં મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 
નોંધનીય બાબત એ છે કે, અમદાવાદમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. રાજ્યસરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી આવતીકાલ તા.20 નવેમ્બરથી કરફ્યુની જાહેરાત કરાઇ છે બીજા બાજુ વાલીઓ સહિત અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન દ્વારા શાળાઓ ડિસેમ્બરમાં ખોલવા સંદર્ભની રજૂઆતો કરવા છતાં પણ આ રજૂઆતોને ધ્યાનમાં નહીં લઇને સરકારે 10 અૉક્ટોબરના ઠરાવ પ્રમાણે આગામી 23 નવેમ્બરે માધ્યમિક તેમ જ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાનું જાહેર કર્યું છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer