ભારતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 89 લાખને પાર

કુલ મરણાંક 1.31 લાખ, કુલ 83.83 લાખ દર્દી સાજા થયા, સક્રિય કેસ 4.95 ટકા
નવી દિલ્હી, તા. 19 : સપરમા દિવસો દરમ્યાન સતત જારી રહેલાં સંક્રમણથી દેશમાં ચિંતા વચ્ચે નૂતન વર્ષ પછી ગુરુવારે લાભપાંચમના દિવસે પણ નવા 45,576 કેસ સામે આવતાં ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 89 લાખને આંબી 89.58 લાખ થઇ ગઇ છે.
દેશભરમાં ઘાતક કોરોના વાયરસની ત્રીજી લહેરથી એકશન મોડમાં આવેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ગુજરાત, હરિયાણા સહિત રાજ્યોમાં ખાસ ટીમો મોકલી રહી છે.
દેશના વિવિધ ભાગોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 585 દર્દી કોરોનાનો કોળિયો બની જતાં મરણાંક 1,31,578 પર પહોંચી ગયો છે.
બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 83.83 લાખથી અધિક સંક્રમિતો ઘાતક વાયરસ સામે જંગ જીતી ચૂકયા છે.
આમ સાજા થતા દર્દીઓનો દર એટલે કે રિકવરી રેટ પણ વધીને 93.58 ટકા પર પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.
દેશમાં ગુરુવારે લગાતાર નવમા દિવસે સારવાર હેઠળ હોય તેવા સક્રિય કેસોની સંખ્યા પાંચ લાખથી નીચે રહી છે.
ભારતના વિવિધ ભાગોમાં આજની તારીખે કુલ 4.43 લાખ (4,43,303) સંક્રમિતો સારવાર કરાવી રહ્યા છે, આમ સક્રિય કેસોનું પ્રમાણ કુલ આંક સામે માત્ર 4.95 ટકા રહી ગયું છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer