ગુજરાતમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા કેન્દ્રની ત્રણ ડૉક્ટર્સની ટીમ આવશે

રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના ડિરેક્ટર ડૉ. એસ કે સિંઘ ગુજરાત તરફથી આગેવાની કરશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 19 : ગુજરાતમાં કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં દિવાળીના સમયથી જ કોરોનાના કેસ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દિવાળી પહેલાં જ્યાં રાજ્યમાં કોરોનાનાં કેસ ઘટવાનું શરૂ થયું હતું. પણ દિવાળી આવતાવેંત જ રાજ્યમાં ફરીથી કોરોનાએ માથું ઊંચક્યું છે અને હવે રાજ્યમાં રોજ નોંધાતા કોરોના કેસનો આંક 1200ને પાર પહોંચી ગયો છે. તેવામાં કોરોનાને લઈ રાજ્યની ચિંતાજનક સ્થિતિ જોતાં મોદી સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારની એનસીડીસીના ડાયરેક્ટર સહિતની ત્રણ ડૉકટરોની ટીમ ગુજરાત આવશે અને આ માટેની જવાબદારી ડૉ. એસ કે સિંઘને સોંપવામાં આવી છે. આ ટીમ ગુજરાત આવીને ગુજરાત સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી આગામી પગલાંઓ અંગે વાટાઘાટો કરશે. 
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવાળીના તહેવારે મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે માર્કેટમાં એકઠા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ન કરવાને કારણે રાજ્યમાં ફરીથી કોરોનાના કેસ વધવા લાગ્યા છે. જેથી લોકોમાં ફરી એકવાર હવે કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારે કરેલી ભૂલ હવે લોકોને અને રાજ્યને ભારે પડી રહી છે. 
અહીં નોંધવું ઘટે કે, ગુજરાતમાં કુલ સાડા છ કરોડની વસ્તીના હજુ માત્ર 11થી 12 ટકા લોકોના જ કોરોના ટેસ્ટ થવા પામ્યા છે. બીજી બાજુ હજુ 88 ટકા લોકો એવા છે જેમણે કોરોનાના કોઇ ટેસ્ટ  કરાવ્યા નથી. આમાંથી કેટલાય લોકો કોરોનાની અસરવાળા હશે જે બજારમાં ફરી રહ્યા છે, જેને લઇને કોરોના કેસમાં દિવાળી બાદ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉથલો માર્યો છે.  
ગુજરાતમાં અમદાવાદની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનતાં અમદાવાદની 1200 બેડની કોવિડ 19 હોસ્પિટલ ખાતે કોવિડ ડ્યૂટી બાદ કોઇપણ પ્રકારનો ક્વોરોન્ટાઇન પિરિયડ આપવાનું સિવિલ હોસ્પિટલ દ્વારા રદ કરવામાં આવ્યું છે. આમ, હવે  કોવિડ ડ્યૂટી બાદ કોઇપણ પ્રકારનો ક્વોરોન્ટાઇન પિરિયડ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોકટર સહિત પેરામેડિકલ સ્ટાફને આપવામાં આવશે નહીં, આ ઉપરથી ફલિત થાય છે કે અમદાવાદની પરિસ્થિતિ કોવિડ મામલે ખૂબ જ ગંભીર છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer