મુંબઈ, તા. 19 : ઝવેરી બજાર, કાલબાદેવી અને ભૂલેશ્વર જેવી ભીડભાડવાળી બજારો જ્યાં આવેલી છે એવા સી વૉર્ડમાં કોવિડ-19ના કેસમાં ઘણો ઘટાડો નોંધાયો છે. આ વૉર્ડમાં સાર્સ-કોવ2ના કેસ બમણાં થવાનો દર 809 દિવસ પર પહોંચ્યો છે. જ્યારે શહેરમાં અન્ય વિસ્તારમાં કેસ બમણાં થવાનો દર 320 દિવસ જેટલો છે.
હાલ સી વૉર્ડમાં 3678 પોઝિટિવ કેસ છે અને જો પરિસ્થિતિ આવી જ રહી તો કેસ 26 મહિને બમણાં થઈ શકે છે. હાલ રોજના માત્ર 3 કે 4 કેસ નોંધાય છે. વૉર્ડમાં કાપડ, સ્ટીલ, દવાની સાથે ઝવેરી બજાર પણ આવેલું હોવાથી દિવાળ દરમિયાન લોકોની ભારે ભીડ આ વિસ્તારમાં રહેતી હોવાથી પાલિકાના અધિકારીનું કહેવું છે કે આગામી પખવાડિયું ઘણું નિર્ણાયક બની રહેશે. કેસ બમણાં થવાના સમયગાળામાં થયેલો વધારો દર્શાવે છે કે જાહેર આરોગ્ય સેવાને મહામારીને નિયંત્રણમાં લેવા સફળતા મળી છે પણ જો અચાનક કેસમાં વધારો થયો તો બધી ગણતરી ખોટી પડી શકે છે.
સ્થાનિક નગરસેવક આકાશ રાજ પુરોહિતનું કહેવું છે કે, લોકોનો સહયોગ અને પાલિકા દ્વારા ઘરેઘરે જઈ કરાયેલા સર્વેને કારણે વાઇરસને નિયંત્રણમાં રાખી શકાયો. દિવાળી દરમિયાન, વૉર્ડની દુકાનોમાં ભીડ જોવા મળી હતી, પરંતુ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રહ્યા હતા. હવે કેસમાં ભારે વધારો થાય એવું અમે ઇચ્છતા નથી.
શહેરમાં પણ કેસ બમણાં થવાનો દર પણ વધીને 320 દિવસ થયો છે, જે શનિવારે 255 દિવસનો હતો. ગયા અઠવાડિયે કેસમાં સૌથી ઓછો, 0.22 ટકાના હિસાબે વધારો નોંધાયો હતો.
બીજા ચાર વૉર્ડ એવા છે જ્યાં કેસ બમણાં થવાનો દર 500 દિવસ કરતા વધુ છે. એમાં બે વૉર્ડ જી-ઉત્તર (ધારાવી, માહિમ,દાદર) અને ઇ (ભાયખલા) એક સમયે હૉસ્પૉટ એરિયા ગણાતા હતા. જ્યારે પશ્ચિમના પરાના ત્રણ વૉર્ડ આર-દક્ષિણ (કાંદિવલી), આર-મધ્ય (બોરીવલી) અને પી-દક્ષિણ)માં કેસ બમણાં થવાનો દર સૌથી ઓછો 236થી 249 દિવસનો અપેક્ષિત છે.
કેસ બમણાં થવાના દર ટૂંકાગાળામાં બદલાઈ શકે છે. માર્ચ મહિના પછી 8 અૉગસ્ટે કેસ બમણાં થવોનો દર 89 દિવસનો હતો. પરંતુ ગણેશોત્વ બાદ કેસમાં વધારો થતાં 14 સપ્ટેમ્બરે એ ઘટીને 54 દિવસનો થયો હતો.
Published on: Fri, 20 Nov 2020