આતંકવાદી સંગઠનો હવે કોરોના વાઈરસના નામે કટ્ટરતા ફેલાવવા સક્રિય

સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ  
યુનાઇટેડ નેશન્સ, તા. 19 : અલ કાયદા અને આઇએસ જેવા ખતરનાક વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા કેટલાંક જૂથો દ્વારા હવે કોરોના વાઈરસને ઉપરવાળાને ન માનનારાઓને ખતમ કરવા મોકલેલો શાપ ગણાવીને નબળા મનના અને અભણ લોકોને ગેરમાર્ગે દોરીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરવાની ઝુંબેશ ચલાવાઇ રહી હોવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘની ઇન્ટર રિજનલ ક્રાઇમ એન્ડ જસ્ટિસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના અહેવાલમાં જણાવાયું છે. 
અહેવાલ પ્રમાણે અલ કાયદા અને આઇએસ જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા કટ્ટરવાદી સંગઠનો આ મહામારીના વાઈરસને પશ્ચિમી રાષ્ટ્રોમાં ઉપરવાળાને ન માનનારાઓને ખતમ કરવા માટે મોકલેલો છે, એમ કહીને લોકોને ભડકાવી રહ્યા છે. તેમનો હેતુ નબળા મનના અને કટ્ટરવાદી માનસ ધરાવતા અશિક્ષિત લોકોને આતંકવાદી પ્રવૃત્તિમાં જોડવાનો છે. એની સામે દુનિયાએ સાવચેત રહેવાની જરૂર છે. હાલના સમયમાં મહામારીના કારણે વિશ્વભરમાં આર્થિક મંદીનો માહોલ છે તેમાં લોકો બેરોજગારી અને ભૂખમરાની સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે ત્યારે નબળા મનના કટ્ટરવાદી માનસ ધરાવતા લોકોને આ રીતે ઉશ્કેરીને આતંકવાદી સંગઠનો પોતાના ઇરાદાઓ આગળ ધપાવવા સક્રિય થયા છે. તેનાથી દુનિયાભરના રાષ્ટ્રોએ સાવધ રહેવાનું અહેવાલમાં કહેવાયું છે.
દિલ્હી ઝૂમાં રૉયલ બંગાળ ટાઇગર બિટ્ટુનું મૃત્યુ, બીજા વાઘ કરણ સાથે જોડી જમાવવા વાઘણ બરખા આવી
નવી દિલ્હી, તા. 19 : દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં બે રૉયલ બંગાલ ટાઇગરમાંથી એકનું આજે મૃત્યુ થયું છે અને આજે જ ઝૂના બીજા વાઘ માટે નવી રૉયલ બંગાળ વાઘણ લાવવામાં આવી છે. છેલ્લાં છ વર્ષથી દિલ્હીના ઝૂમાં ત્રણ રૉયલ બંગાળ વાઘના વંશને આગળ વધારવા વાઘણની રાહ જોવાઇ રહી હતી, હવે વાઘણ આવી ત્યારે એક જ વાઘ બચ્યો છે. 
કેન્દ્રીય ઝૂ  અૉથોરિટીના જણાવ્યા પ્રમાણે એક વર્ષ અગાઉ આ ઝૂમાં ત્રણ વાઘ હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આઠ વર્ષનો રામ નામનો વાઘ કિડનીની બીમારીનો ભોગ બન્યો હતો અને બે વાઘ બચ્યા હતા. આજે બિટ્ટુ કે બી-2 નામના 15 વર્ષના વાઘનું પણ કિડનીની બીમારીથી મૃત્યુ થતાં હવે દિલ્હી પ્રાણી સંગ્રહાલયમાં કરણ નામનો છ વર્ષનો એક જ રૉયલ બંગાળ ટાઇગર છે, આ ટાઇગરનો વંશ આગળ વધારવા બરખા નામની વાઘણને કાનપુરના ઝૂમાંથી પ્રાણીઓની અદલા-બદલીના નિયમ પ્રમાણે કરણ સાથે જોડી જમાવવા દિલ્હી લાવવામાં આવી છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer