અમેરિકા સાથે 1.1 અબજ ડૉલરના કરાર : ચાર ઘાતક યુદ્ધવિમાન મળશે

નવી દિલ્હી, તા. 19 : સીમાએ કારણ વગર સંઘર્ષ કરીને તાણ સર્જનારા ખંધા ચીનની હરકત પર નજર રાખવા માટે ભારત સતત સતર્ક છે. આ કામમાં અમેરિકા તરફથી પણ આપણા દેશને સાથ મળી રહ્યો છે. અમેરિકા સાથે થયેલી 1.1 અબજ ડોલરની સંરક્ષણ સમજૂતી હેઠળ ભારતને મળનારા કુલ ચાર પી-81 માંથી એક વિમાન ગઈકાલે ગોવા પહોંચ્યું હતું. 
પી-81 યુદ્ધવિમાન અત્યાધુનિક સેન્સર્સથી સજ્જ છે, જે હિન્દ મહાસાગરમાં ડ્રેગનની કોઈ પણ હરકત પર નજર રાખશે. 
ગોવા સ્થિત મહત્ત્વપૂર્ણ નૌકાદળબેઝ, આઈએનએસ હંસ પર બુધવારની સવારે અમેરિકાનું આ ઘાતક યુદ્ધવિમાન પહોંચ્યું હતું. 
ભારતીય નૌકાદળ પાસે પહેલાંથી જ આવા આઠ યુદ્ધવિમાન છે, જેમાંથી કેટલાક વિમાન પૂર્વ લદ્દાખમાં ચીની ગતિવિધિઓ પર નજર રાખવા તૈનાત કરાયા છે. પહેલાંથી જ  છે તે આઠ યુદ્ધવિમાન માટે ભારતે જાન્યુઆરી-2009માં અમેરિકા સાથે 2.1 અબજ ડોલરનો સોદો કર્યો હતો.  
આ યુદ્ધ વિમાન હાર્પુન બ્લો-2 મિસાઈલો તેમજ એમકે54 લાઈટવેઈટ ટોરપિડોથી સજ્જ છે, ત્યારબાદ 2016માં  સંરક્ષણ મંત્રાલયે આવા વધુ ચાર વિમાન ખરીદવાનો ફેંસલો કર્યો હતો. 
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer