જૂની અને જર્જરિત ઈમારતોના રિડેવલપમેન્ટ માટે વિવિધ પ્રોત્સાહનો જાહેર કરાયા

મુંબઈ, તા. 19 : મુંબઈની જૂની અને જર્જરિત ઈમારતોનું રિડેવલપમેન્ટ બીલ્ડરો માટે વધુ લાભદાયક બનશે એવું લાગે છે. 
ઉદ્ધવ ઠાકરેની સરકારે રિયલ એસ્ટેટ સેક્ટર માટે નવા પ્રોત્સાહનોની જાહેરાત કરી છે. જૂની અને જર્જરિત સેસ્ડ (ઉપકર) ઈમારતોનું રિડેવલપમેન્ટ અને કલ્સ્ટર રિડેવલપમેન્ટ કરનારા બીલ્ડરોના બીલ્ડેબલ એરિયામાં વધારો કરવાનું નક્કી કરાયું છે. આ અંગે રાજ્યના શહેરી વિકાસ વિભાગે, વિકાસ નિયંત્રણ નિયમોમાં સુધારો કરવા માટે 
એક નોટિફિકેશન બહાર પાડયું છે અને જાહેર જનતા પાસેથી આ અંગે વાંધા અને સૂચનો મગાવ્યા છે.
પ્રસ્તાવિત નિયમો મુજબ ડેવલપરને હવે બિલ્ટ અપ  એરિયાના 75થી 100 ટકા સુધીનો એરિયા સેલેબલ એરિયા તરીકે મળી શકે છે. જોકે, સરકારે આ બાબતે બીલ્ડરોને પૂર્ણાધિકાર આપી દીધો નથી. ડેવલપરના લાભને પ્લોટની માર્કેટ વેલ્યુ સાથે જોવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં, પ્લોટનું બજાર મૂલ્ય ઓછું તો લાભ વધુ. પ્લોટ એરિયાનો ઓછામાં ઓછો ત્રણ ગણો એરિયા બિલ્ડેબલ એરિયા તરીકે ઉપલબ્ધ થશે.
એવી જ રીતે કલ્સ્ટર રિડેવલપમેન્ટ યોજનાઓમાં પણ હવે બીલ્ડરોને 85થી 130 ટકા ઈન્સેન્ટિવ એરિયા મળી શકશે. વર્તમાનમાં પુનર્વસન વિસ્તારના પંચાવનથી 100 ટકા ઈન્સેન્ટિવ એરિયાની જોગવાઈ છે.
આવી યોજનાઓમાં ભાડૂતોને પણ મોટા ઘરનું વચન આપવામાં આવ્યું છે. કલ્સ્ટર સ્કીમના ભાડૂતો માટેનો મિનિમમ રિહેબિલિટેશન એરિયા 300 ચોરસ ફૂટથી વધારીને 376 ચોરસ ફૂટ કરવામાં આવ્યો છે. સેસ્ડ ઈમારતોના ભાડૂતોને વધુ પાંચ ટકા જગ્યા મળી શકશે. 30 વર્ષથી જૂની પુનર્નિર્મિત સેસ્ડ ઈમારતો પણ લાભને પાત્ર હશે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer