ભારતીય સેનાના વળતાં હુમલામાં અનેક આતંકવાદી અડ્ડા ધ્વસ્ત

હવે પીઓકેમાં પીન પૉઈન્ટ સ્ટ્રાઈકથી પાકિસ્તાન સ્તબ્ધ
નવીદિલ્હી, તા.19: ગાત્રો થીજવતી કડકડતી ઠંડી પહેલાં કાશ્મીરમાં મોટાપાયે આતંકવાદી ઘૂસણખોરી કરાવવાના પાકિસ્તાનના નાપાક મનસૂબા ઉપર પ્રખર પ્રહાર કરતા ભારતીય સેનાએ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં પિનપોઇન્ટ સ્ટ્રાઇક કરીને આતંકી અડ્ડાઓનાં ફૂરચા ઉડાડી નાખ્યા છે. ઘૂસણખોરી માટે પીઓકેની અંદર બનેલા આતંકી લોન્ચપેડને વીણીવીણીને તબાહ કરી નાખ્યા છે. 
સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા સૂત્રોના હવાલે આપવામાં આવેલા અહેવાલ અનુસાર ભારતીય સેના પીઓકેમાં બનેલી આતંકી છાવણીઓ ઉપર પિનપોઇન્ટ સ્ટ્રાઇક કરી રહી છે. પાકિસ્તાની સેના ઠંડી પહેલા આતંકીઓની મોટાપાયે ભારતમાં ઘૂસણખોરી કરાવીને જમ્મુ-કાશ્મીરમાં ઉપદ્રવ મચાવવાની ફિરાકમાં હતી. તેના આ નાપાક ઈરાદા બર આવે તે પહેલા ભારતીય સેનાએ તેને ચકમો આપીને મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. આમાં અત્યાર સુધીમાં કેટલા આતંકીઓ મરાયા તેનો કોઈ સ્પષ્ટ ચિતાર હજી સુધી મળ્યો નથી. 
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલાના જવાબમાં પીઓકેમાં એરસ્ટ્રાઇક કરી હતી. એ પહેલા 18 સપ્ટેમ્બર 2016ના ઉરી હુમલા પછી ભારતીય સેનાએ 29મી સપ્ટેમ્બર 2016ના રોજ પીઓકેમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓ ઉપર હુમલો બોલાવી દેતાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. આમ, પાકિસ્તાની સેના અને આતંકીઓને ઉંઘતા ઝડપી લેવા માટે આ વખતે ભારતીય સેનાએ પોતાની રણનીતિ બદલીને નવતર હુમલો કર્યો છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer