હરિયાણા-ઉત્તરાખંડમાં સ્કૂલો ખૂલતાં જ કોરોનાનું ઍડ્મિશન

નવી દિલ્હી, તા. 19 : દેશમાં દિવાળી પહેલા કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળતા અનેક રાજ્યોએ નવેમ્બર મહિનામાં પોતાને ત્યાં સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતમાં રાજ્ય સરકારે બેઠક યોજીને આગામી 23 નવેમ્બરે સ્કૂલો શરુ કરવા માટેની જાહેરાત કરી છે. રાજ્યમાં 23 નવેમ્બરે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરુ કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે મુજબ સોમ, બુધ, શુક્રવારે ધો.10-12ના વિદ્યાર્થીઓ અને મંગળ, ગુરૂ, શનિવારે ધો.9-11ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાશે. તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય તમામ કર્મચારીઓ માટે ફેસ માસ્ક ફરજિયાત પહેરવાના રહેશે. આ સાથે શાળાઓમાં કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. જોકે આમ છતા જે રાજ્યોમાં કોરોનાની સંપૂર્ણ ગાઇડલાઈન સાથે સ્કૂલો ખૂલી છે ત્યાં કોરોનાએ પોતાના પગ પસારવના શરું કરી દીધા છે. જેમ કે હરિયાણા અને ઉત્તરાખંડ અહીં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સ્કૂલો ખૂલતાની સાથે જ અપીલ કરી હતી કે કોવિડ -19 એ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. માસ્ક પહેરો, 6 ફૂટનું અંતર રાખો અને નિયમિતપણે હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરો. આ બધી તૈયારીઓની વચ્ચે, જે શાળાઓ ખૂલી તેમાં કોરોના ફેલાવા લાગ્યો છે. હરિયાણાની શાળાઓમાં 175 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ બન્યા છે, જ્યારે 18 જેટલા શિક્ષકો પણ કોરોના ચેપગ્રસ્ત છે. બીજી તરફ ઉત્તરાખંડના પૌરી જિલ્લામાં ભૂતકાળમાં 80 શિક્ષકોને કોરાનાથી ચેપ લાગ્યો હતો. આવી સ્થિતિમાં સરકાર દ્વારા શાળા ખોલવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવાની માગ કરવામાં આવી રહી છે.
હરિયાણા સરકારે 16 નવેમ્બરથી કોલેજ અને યુનિવર્સિટી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં હરિયાણાની શાળાઓમાં 175 વિદ્યાર્થીઓ અને 18 જેટલા શિક્ષકો પણ કોરોના પોઝિટિવ બન્યા છે. વિપક્ષે સરકારને શાળા ખોલવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માગ કરી છે.  
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer