ઈ-કૉમર્સ પોર્ટલની મનમાની સામે કૈટનું આંદોલન

ઈ-કૉમર્સ પોર્ટલની મનમાની સામે કૈટનું આંદોલન
મુંબઈ, તા. 19 : કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ ઈ-કૉમર્સ કંપનીઓની મનમાની અને એફડીઆઈ પૉલિસીનું છડેચોક ઉલ્લંઘન કરવા સામે 20મી નવેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી 40 દિવસનું દેશવ્યાપી આંદોલન છેડવાની જાહેરાત કરી છે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આજે નવી દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ આંદોલનનો હેતુ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરનારી ઈ-કૉમર્સ કંપનીઓને ઉઘાડી પાડવાનો છે.  આ કંપનીઓ દેશના રિટેલ વેપાર પર પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે કબજો કરવાનો મનસૂબો ધરાવે છે અને આવા તમામ મનસૂબા નિષ્ફળ કરવાનો ઉદ્દેશ છે. એમણે એમ પણ જણાવ્યું હતું કે આ આંદોલનનો હેતુ કેન્દ્ર સરકાર પાસેથી એક ઈ-કૉમર્સ પૉલિસીની તત્કાળ જાહેરાત, ઈ-કૉમર્સ રેગ્યુલેટરી અૉથોરિટીનું ગઠન અને એફટીઆઈ પૉલિસીની પ્રેસનોટ-2માં રહેલી ખામી દૂર કરીને નવી પ્રેસનોટ બહાર પાડવાનો પણ છે.
ભરતિયા અને ખંડેલવાલે કહ્યું હતું કે મોટી ઈ-કૉમર્સ કંપનીઓએ ખર્ચ કરતાં પણ ઓછા ભાવે માલ વેચીને, મોટું ડિસ્કાઉન્ટ આપીને, સામાનની ઈન્વેન્ટરી પર પોતાનો અંકુશ રાખીને, અગ્રણી બાન્ડની કંપનીઓ સાથે સાંઠગાંઠ કરીને તેમના ઉત્પાદનો ફક્ત ઈ-પોર્ટલ પર જ વેચવા જેવી વેપારી પદ્ધતિઓ દ્વારા નાના વેપારીઓનો વેપાર નષ્ટ કરી દીધો છે. અનેક બૅન્ક પણ અનેક પ્રકારના કેશબૅક અને ડિસ્કાઉન્ટ આપીને આ કંપનીઓ સાથે અનૈતિક ગઠબંધનમાં સામેલ છે. એટલું જ નહીં મોટા પ્રમાણમાં દેશનો ડેટા આ કંપનીઓને એક યોજનાબદ્ધ રીતે લિક કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું હતું કે જો કોઈ સરકારી યોજના હેઠળ એકાદ વસ્તુ બુક કરવામાં આવે તો તરત જ એ વ્યક્તિ પાસે આ કંપનીઓનો મેસેજ પહોંચી જાય છે. એનાથી સ્પષ્ટ છે કે ભારતનું રિટેલ બજાર કબજે કરવાનું તેમનું ષડયંત્ર છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer