રામ મંદિર નિર્માણ માટે વિશેષ પથ્થરોની જરૂર

રામ મંદિર નિર્માણ માટે વિશેષ પથ્થરોની જરૂર
રાજસ્થાન સરકારે ખનન માટે કેન્દ્રની મંજૂરી માગી
મુંબઈ, તા. 19 : રામ મંદિરના નિર્માણમાં રાજસ્થાનના ભરતપુર વિસ્તારમાં મળી આવતા વિશેષ પ્રકારના પથ્થરો પૂરા પાડવા માટે રાજસ્થાન સરકારે ભરતપુરની બંધ બરેઠા વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં ખનન કરવા માટે કેન્દ્ર સરકાર પાસે ઉચ્ચતમ અગ્રતાક્રમે મંજૂરી માગી છે.
બંસી પહાડપુર વિસ્તારમાં મળી આવતા પથ્થરો ગુલાબી ઝાંય માટે પ્રસિદ્ધ છે. 1989માં મંદિરનો શિલાન્યાસ થયો ત્યારથી નિર્માણકાર્ય માટે પથ્થરો મોકલવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં એક લાખ ક્યુબિક ફૂટ જેટલા પથ્થર અહીંથી મોકલાયા છે. 
2016 પછી અહીં કોઈ પણ પ્રકારના ખનન માટે મંજૂરી નથી. પરંતુ ગેરકાયદે ખનન ચાલુ જ છે અને કાળાબજારમાં આ પથ્થરો મળી રહે છે.  જોકે, ભરતપુર પ્રશાસને સાતમી સપ્ટેમ્બરે ગેરકાયદે રીતે ખનન કરેલા આ ગુલાબી પથ્થરો ભરેલી પચીસ ટ્રક જપ્ત ર્ક્યા પછી પુરવઠો અટકી ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદે પથ્થરોનો પુરવઠો અટકાવવા સામે ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે રાજસ્થાનની કૉંગ્રેસ સરકારે સમજવું જોઈએ કે રામ મંદિર નિર્માણ દેશનું કાર્ય છે. બંસી પહાડપુરની ખાણોમાં ખનનને કાયદેસર કરવાના કોઈપણ પગલાનું સ્વાગત કરીશું. 
રાજસ્થાનના જોઈન્ટ સેક્રેટરી ઓ.પી.કસેરાએ ખાણ વિભાગના ડિરેક્ટરને બંસી પહાડપુર વિસ્તારને ખનન પ્રતિબંધિત યાદીમાંથી બાદ કરવા માટે પત્ર લખ્યો છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer