હવે `સ્ટેચ્યૂ અૉફ યુનિટી''ના બ્રેન્ડ એમ્બેસેડર બનશે અમિતાભ બચ્ચન, છ જગ્યાએ થશે શાટિંગ

હવે `સ્ટેચ્યૂ અૉફ યુનિટી''ના બ્રેન્ડ એમ્બેસેડર બનશે અમિતાભ બચ્ચન, છ જગ્યાએ થશે શાટિંગ
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 19 : `કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' ગુજરાત પ્રવાસનની આ એડ અને તેમાં પણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો દમદાર અવાજ. આ એડ લોકોમાં ખાસ્સી લોકપ્રિય થઈ હતી. અને તેને કારણે કચ્છના પ્રવાસનમાં પણ ધરખમ ઉછાળો આવ્યો હતો. હવે સદીના મહાનાયક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ અૉફ યુનિટીની એડમાં દેખાશે. ગુજરાત ટુરિઝમ દ્વારા આ જાહેરાત બનાવવામાં આવી રહી છે. 
ગુજરાત ટુરિઝમની એડમાં ફરી એકવાર અમિતાભ બચ્ચન ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ માટે અપીલ કરશે. અમિતાભ બચ્ચન સ્ટેચ્યૂ અૉફ યુનિટી અને કેવડિયા માટે શુટિંગ કરશે. આ અગાઉ સદીના મહાનાયક દ્વારા `કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' થીમ પર શુટ કર્યું હતું. અને `ખુશ્બુ ગુજરાત' અભિયાનની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવી હતી. તેવામાં હવે બે મહિનાની અંદર કેવડિયા ખાતે આ શાટિંગ શરૂ કરી દેવામાં આવશે. રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેવડિયા સહિત અન્ય છ લોકેશન પર શાટિંગ કરવામાં આવશે. 
વડા પ્રધાન મોદી દ્વારા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ અૉફ યુનિટીના લોકાર્પણ બાદ લોકોમાં આ પ્લેસ ફરવા માટેનું ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે અને હવે પીએમ મોદી દ્વારા આ પ્રવાસન સ્થળને વિશ્વવિખ્યાત બનાવવા માટે સી પ્લેન, જંગલ સફારી સહિતની અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. તેવામાં હવે ગુજરાત ટુરિઝમ દ્વારા કેવડિયાને વિશ્વ ફલક પર ચમકાવવા માટે એક ખાસ એડનું શાટિંગ કરવામાં આવશે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer