પેટા ચૂંટણીમાં વિજેતા ધારાસભ્યોનો શપથવિધિ

પેટા ચૂંટણીમાં વિજેતા ધારાસભ્યોનો શપથવિધિ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શપથ લેવડાવ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19 : ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના આઠ નવનિર્વાચિત ધારાસભ્યોનો શપથવિધિ મુખ્ય પ્રધાન  વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાત વિધાનસભા ખાતે યોજાયેલા આ શપથવિધિમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યોને વિજયમૂહુર્તમાં શપથ લેવડાવ્યા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. 
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 99 બેઠક સાથે સત્તા પર આવ્યો હતો. પરંતુ ત્રણ વર્ષમાં વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 111 થઇ ગયું છે. જેમાંથી 9 પેરાશૂટ ધારાસભ્યો છે, જે કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે અને પેટાચૂંટણી જીતીને વિધાનસભાગૃહમાં પહોંચ્યા છે. જ્યારે ત્રણ ધારાસભ્યો એવા છે જે, કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ ખાલી પડેલી બેઠકોમાં પેટાચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા છે. 
અગાઉ 2018માં જસદણ બેઠક ઉપર યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળિયા ભાજપમાંથી ચૂંટણી લડતા તેઓ વિજેતા બનતા ભાજપનું સંખ્યાબળ 100નું થયું હતું. આમ જોઇએ તો 2017થી 2020 સુધીના ત્રણ વર્ષમાં ભાજપનું સંખ્યા બળ 99થી વધીને 111 થઇ ગયું છે. ત્રણ વર્ષમાં ભાજપના 12 ધારાસભ્યો વધ્યા છે, જેમાં નવ પેરાશૂટ અને ત્રણ ભાજપના ધારાસભ્યો છે. 
જો કે, સાત નવનિર્મિત ધારાસભ્યોએ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ એક સાથે શપથ લીધા હતા જ્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની નાદુરસ્ત તબિયતના હિસાબે તેઓએ અલાયદી રીતે ધારાસભ્યપદના શપથ લીધા હતા. 
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer