ડિજિટલ ઇન્ડિયા ગેમ ચેન્જર : મોદી

ડિજિટલ ઇન્ડિયા ગેમ ચેન્જર : મોદી
બેંગલુરુ ટેક સમિટનાં ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાને ટેકનૉલૉજીનું મહત્ત્વ સમજાવ્યું
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 19 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બેંગ્લુરુ ટેક સમિટ ર0ર0નું ઉદ્ઘાટન કરતાં ડિજિટલ ઇન્ડિયાને ગેમ ચેન્જર ગણાવી કહ્યું કે ટેકનોલોજી દ્વારા માનવીય ગરીમાને વધારવાનું કામ કરાયું છે.
વડા પ્રધાને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સમિટનો શુભારંભ કરતાં કહ્યું કે વર્તમાન સમયમાં લાખો ખેડૂતો માત્ર એક ક્લિકમાં નાણાંકીય સહાય સહિત જરૂરી માહિતી મેળવી શકે છે. આ બધું ટેકનોલોજીને કારણે સંભવ બન્યું છે. કોરોના વાયરસના દૌરમાં ટેકનોલોજીએ ગરીબો સુધી માનવીય મદદ પહોંચાડવામાં ખૂબ મદદ કરી છે. ભારત પાસે ઇન્ફોર્મેશનના દૌરમાં ખુદને આગળ રાખવાની ભરપૂર તાકાત છે. આપણી પાસે ટેકનોલોજી સાથે જોડાયેલું ગજબ નોલેજ છે સાથે આપણી પાસે એક મોટું બજાર છે. આપણાં લોકલ ટેક સોલ્યુશન પાસે આ દિશામાં દુનિયાને આપવા ઘણું છે. વર્તમાન સમયમાં ટેક સોલ્યુશનને ભારતમાં ડિઝાઇન કરવામાં આવે છે પછી તેને આખી દુનિયામાં પહોંચાડવામાં આવે છે.
વડા પ્રધાને વધુમાં કહયું કે ડિજિટલ ઇન્ડિયા જીવન જીવવાની એક રીત બની ગઈ છે. ભીમ (યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ) તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. આપણે ઇન્ફોર્મેશનના યુગમાં છીએ. તેમાં પહેલા કોણે એન્ટ્રી લીધી તે મહત્ત્વનું નથી પરંતુ આ ફિલ્ડમાં શ્રેષ્ઠ કોણ છે તે મહત્ત્વનું છે. સરકારે પોતાની તમામ યોજનાઓમાં ટેકનોલોજીને મહત્ત્વ આપ્યું છે. સરકારનું મોડલ ટેકનોલોજી ફર્સ્ટ છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer