કાશ્મીરમાં જૈશ-એ-મોહંમદના ચાર આતંકવાદી ઠાર

કાશ્મીરમાં જૈશ-એ-મોહંમદના ચાર આતંકવાદી ઠાર
વહેલી સવારે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈ વે પર ટોલનાકા પાસે એન્કાઉન્ટર : ટ્રકમાં છૂપાયા હતા પાકિસ્તાનીઓ : વિસ્ફોટક-હથિયારો મળ્યાં
જમ્મુ, તા. 19 : કાશ્મીરમાં મોટા હુમલાને અંજામ આપવા મથી રહેલા પાકિસ્તાનના કાવતરાને નિષ્ફળ બનાવતાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈ વે પર ટોલનાકા પાસે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં જૈશે મોહમ્મદના 4 આતંકીને ઠાર માર્યા હતા.
નગરોટામાં રાજમાર્ગ પર બાન વિસ્તારના ટોલ પ્લાઝા પાસે સુરક્ષા દળોએ એક ટ્રક રોકતાં ગોળીબાર કરાયો હતો જે સાથે સામસામી અથડામણ શરૂ થઈ હતી. ટ્રકમાં 4 સંદિગ્ધ આતંકીઓ છૂપાયા હતા.
સીઆરપીએફ તથા કાશ્મીર પોલીસ એસઓજીના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક ટ્રકમાં કેટલાક આતંકીઓ સવાર છે. વહેલી સવારે 4:20 કલાકે સીઆરપીએફના જવાનોએ શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે સાથે ટ્રક ચાલક ઉતરીને નાસી છૂટયો હતો. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રકમાં છૂપાયેલા આતંકીઓ સ્થાનિક ન હતા તે જૈસે મોહમ્મદ સંગઠનના હોવાનું સામે આવ્યું છે. તેમને રોકવાનો પ્રયાસ કરતાં ગોળીબાર કર્યો હતો.
ઠાર મરાયેલા ચારેય આતંકીના મૃતદેહ મળી આવ્યા છે તેમની પાસેથી 11 એકે 47, 3 પિસ્તોલ, 29 ગ્રેનેડ, 6 યુબીજીએલ ગ્રનેડ, મોબાઈલ ફોન અને અન્ય ઉપકરણો હાથ લાગ્યા છે. જેને ધ્યાને લઈ સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતુ. 3 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ નેશનલ હાઈ વે પર ટ્રાફિક બંધ કરી દેવાયો હતો. એન્કાઉન્ટરનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ખાલી ટોલ પ્લાઝાના સન્નાટા વચ્ચે ગોળીબારનો અવાજ સાંભળવા મળે છે. ગોળીબાર વચ્ચે ટ્રકમાં આગ ફાટી નીકળી હતી અને તેમાં રહેલો વિસ્ફોટક પદાર્થ સળગી ઉઠતા અનેક ધડાકા થયા હતા. આતંકીઓ ડીડીસીની ચૂંટણી દરમિયાન કોઈ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હોવાની આશંકા છે. એન્કાઉન્ટરમાં બે કોન્સ્ટેબલ સહિત 4 ઘવાયા હતા.
કાશ્મીરના પુલવામામાં પણ આતંકી ગતિવિધિ જોવા મળી છે. બુધવારે અહીં આતંકીઓએ કાકાપોરા ચોકમાં ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં 12 નાગરિકો ઈજાગ્રસ્ત બન્યા હતા.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer